News of Sunday, 4th October 2026
કચ્છ બનશે નવું ‘ગીર’: લખપતના ધુણઈમાં ૨૭૫ હેક્ટરમાં આકાર પામશે ‘લાયન એન્ડ લેપર્ડ સફારી’
કેન્દ્રની આખરી મંજૂરી બાદ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે: ૧૩ દીપડા લવાયા, સિંહો લાવવાની કવાયત તેજ, ₹૧૫ કરોડનો ખાસ પ્લાન તૈયાર

ભુજ: સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિદ્ધ ગીર અભયારણ્યની તર્જ પર હવે પશ્ચિમ કચ્છના સીમાવર્તી લખપત પંથકમાં પણ વન્યજીવ પ્રેમીઓ માટે રોમાંચક સમાચાર આવ્યા છે. વન વિભાગ દ્વારા લખપત તાલુકાના કનોજ ગામ નજીક આવેલા ધુણઈ સીમ વિસ્તારમાં એક અદ્યતન ‘લાયન અને લેપર્ડ સફારી’ તથા વન્યજીવ સંવર્ધન કેન્દ્ર વિકસાવવાની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વન વિભાગ દ્વારા અંદાજે ૨૭૫ હેક્ટર જેટલા વિશાળ વિસ્તાર ફરતે મજબૂત ફેન્સિંગ ઊભી કરી દેવામાં આવી છે.
હાલ ખાસ સુવિધા ધરાવતા પાંજરાઓમાં ૧૩ જેટલા દીપડા લાવી દેવાયા છે, જ્યારે આગામી દિવસોમાં અહીં એશિયાટિક સિંહોનું પણ આગમન કરાવવાની તડામાર કવાયત ચાલી રહી છે.
નાયબ વન સંરક્ષક (ડીસીએફ) હર્ષ ઠક્કરના જણાવ્યા અનુસાર, જંગલ સફારી માટેની મોટાભાગની પાયાની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે. વન્યજીવોના કુદરતી વસવાટ, યોગ્ય આહાર અને જળ વ્યવસ્થાપનની સુવિધાઓ સુનિશ્ચિત કરાઈ છે. હવે માત્ર દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય તરફથી આખરી મંજૂરીની પ્રતીક્ષા છે. લીલી ઝંડી મળતાં જ દીપડાઓને ફેન્સિંગ ધરાવતા સુરક્ષિત ખુલ્લા જંગલમાં મુક્ત કરી દેવાશે.
આ સફારી પાર્કમાં પ્રવાસીઓ ગીરની માફક જ ઓપન જિપ્સી મારફતે સિંહ અને દીપડા ઉપરાંત કાળિયાર તથા ચિંકારા જેવા તૃણાહારી પ્રાણીઓને પણ મુક્ત મને વિહરતા નિહાળી શકશે. ડાલામથ્થા સિંહોના વસવાટ માટે વન વિભાગે એક અલગ વિસ્તાર પણ નિર્ધારિત કર્યો છે.
સહેલાણીઓની સુવિધા અને માર્ગો સહિતના માળખાકીય વિકાસ માટે રાજ્ય પ્રવાસન વિભાગ સમક્ષ રૂપિયા ૧૫ કરોડની ખાસ ગ્રાન્ટની દરખાસ્ત મૂકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંડા બાવળોના સામ્રાજ્ય ધરાવતા આ વેરાન પંથકને સાફ કરીને વન વિભાગે ૧૦૦ એકર જમીનમાં દેશી ઘટાદાર વૃક્ષોનું વાવેતર કરી નયનરમ્ય પ્રાકૃતિક વન ઊભું કર્યું છે. પ્રોજેક્ટ વિધિવત્ શરૂ થતાં જ ગીરની જેમ ઓનલાઇન બુકિંગ સિસ્ટમ અમલી બનશે અને સુરક્ષા માટે તાલીમબદ્ધ ટ્રેકર્સ તહેનાત રહેશે. આ પ્રોજેક્ટથી પશ્ચિમ કચ્છના પ્રવાસન ઉદ્યોગને નવું બળ મળશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની અઢળક તકો ઊભી થશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
