તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 18th September 2026
‘આર્શીવાદના દીવડાઓથી ઝગમગ્યું કચ્છ’: ૮ લાખથી વધુ દીપ પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈને લોકોએ પાઠવી જન્મદિનની શુભેચ્છા
નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે સામુહિક પ્રાર્થના કરાઇ, વિવિધ આઈકોનિક અને ધાર્મિક સ્થળોએ હજારો દીપ પ્રજ્વલિત કરાયા, જિલ્લા મથક ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ મધ્યે ૨૦ હજારથી વધુ દીપ પ્રગટાવીને ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમની ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮ : સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા. ૧૭ સપ્ટેમ્બર રોજ વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે જિલ્લાના વિવિધ આઈકોનિક તેમજ ધાર્મિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થઈ ૮ લાખથી વધુ દીપ પ્રગટાવીને અભિયાનની ઉજવણીમાં જોડાયા હતા. નાગરિકોએ સામૂહિક દીપ પ્રગટાવીને વડાપ્રધાનશ્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવવા સાથે તેમના દીર્ઘાયુ માટે શુભકામના વ્યકત કરી હતી.
‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળોએ સામૂહિક દીપ પ્રાગટ્યનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ્યકક્ષાએ તથા શહેરોમાં આઇકોનીક સ્થળો, ધાર્મિક સ્થળો, ગ્રામ પંચા યતો, આંગણવાડીઓ, એ.પી.એમ.સી, દુધ મંડળીઓ, સામાજીક સંસ્થાઓ સહિત વોર્ડવાઇસ આશીવાર્દનો દીવડો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભુજ ખાતે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્મૃતિવન ખાતે ૨૦ હજારથી વધુ દિપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, સ્વરાજ્ય મળે એ પૂરતું નથી પરંતુ સુરાજ્ય સાથે રામરાજ્ય સ્થપાય તો જ આઝાદીનું મહત્વ છે. ત્યારે આ પરિકલ્પના સાથે દેશનું નેતૃત્વ કરતા વડાપ્રધાનશ્રીના જન્મદિનને દેશભરના લોકોએ તેમના દીર્ઘાયુ માટે તેમજ દેશને નવી ઊંચાઈએ લઈ જવા માટે આશીર્વાદના દીવડા કાર્યક્રમના માધ્યમથી જે પ્રાર્થના કરી છે તે માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ તેમના 25 વર્ષના સુશાસનમાં અવિરત સક્રિય રહીને જન કલ્યાણકારી વિવિધ યોજનાઓ અમલી કરી છે, તેમજ દેશને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે, તેમણે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, એક આશીર્વાદનો દીવો કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનશ્રી ના 25 વર્ષની સેવા અને સુશાસનને લોકોએ આશીર્વાદ આપીને વધાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરીને દેશના વિકાસમાં સક્રિય છે, વડાપ્રધાનશ્રી ના હસ્તે લોકાર્પિત કરવામાં આવેલ સ્મૃતિવન મ્યુઝિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થનાર સર્વ નાગરિકોનો તેમણે આભાર વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી સ્વસ્થ રહી અવિરત દેશસેવા કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ,ભુજ પાલિકા પ્રમુખશ્રી શીતલ શાહ, કલેકટરશ્રી અનિલ રાણાવસિયા નિવાસી અધિક કલેકટરશ્રી પાર્થ કોટડીયા, અધિક કલેકટરશ્રી પ્રણવ વિઠાણી તેમજ આગેવાનશ્રીઓ દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી,હિતેશભાઈ ખંડોલ, પંકજ મહેતા સહિત મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકામાં માતાના મઢ, લખપત ગુરૂદ્વારા, નારાયણ સરોવર, અબડાસા તાલુકામાં અબડાદાદા સર્કલ, નખત્રાણા ખાતે સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, જીવન સંધ્યા આશ્રમ, કસ્તુરબા ગાંધી વિદ્યાલય, ભુજ તાલુકામાં કોટડા(ચકાર), નર્મદા કેનાલ-લોડાઇ, આણંદસર, માંડવી તાલુકામાં શ્યામજીકૃષ્ણ વર્મા સ્મારક-મસ્કા, અંબેધામ ગોધરા, ચંદુમાતા મંદિર-ગઢશીશા, માંડવી શહેરમાં ઘનશ્યામ ઘાટ, મુંદરા શહેરમાં સોમેશ્વર મહાદેવ મંદિર, મુંદરા તાલુકામાં આશાપુરા મંદિર- પ્રાગપર ચોકડી, અંજાર તાલુકામાં ગોવર્ધન પર્વત સતાપર, અંજાર શહેરમાં સ્વામિનારાયણ મંદિર, ભચાઉ શહેરમાં રેલવે સ્ટેશન, નર્મદા કેનાલ સંપ, રાપર તાલુકામાં ગાગોદર સબબ્રાંચ કેનાલ, રાપર શહેરમાં ત્રિકમ સાહેબ મંદિર, નાગેશ્વર, ભચાઉ તાલુકામાં માનસ હનુમંત ધામ, નવા કટારીયા તથા ગાંધીધામ શહેરમાં પંચમુખી હનુમાન મંદિર તથા ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે હજારો લોકોએ ઉપસ્થિત રહીને સામુહિક દીપ પ્રગટાવીને વડાપ્રધાનશ્રીના જન્મદિને શુભકામના વ્યકત કરી હતી.
કચ્છભરમાં સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત આશીર્વાદનો દીવડો કાર્યક્રમમાં ગ્રામ્યકક્ષાએ, તાલુકાકક્ષાએ, નગરપાલિકા તથા મહાનગરપાલિકાના મુખ્ય સ્થળો, અમૃત સરોવર, આવાસ યોજનાઓ, પંચાયત, મંદિરો, શાળા તથા આઇકોનિક સ્થળો ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓના આવાસ ખાતે પણ વડાપ્રધાનશ્રીના જન્મદિને દીર્ઘાયુ માટે સામુહિક પ્રાર્થના કરાઇ હતી. આ કાર્યક્રમમાં વિવિધ કંપનીઓ, રેલવે સ્ટેશન, પોર્ટ સહિતના સ્થળોએ પણ કાર્યક્રમ આયોજીત કરાયા હતા.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
