<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

કચ્‍છના રાપરમાં છાશના ગ્‍લાસ બાબતે બોલાચાલીઃ પિતાની નજર સામે જ દીકરાની હત્‍યા

ઉશ્‍કેરાટમાં થયેલી ઘટનાથી કચ્‍છમાં ચકચાર, રાપર પોલીસે અજાણ્‍યા આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરીઃ મળતક મહેબૂબનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની, રોજગારી માટે વર્ષોથી કચ્‍છના રાપરમાં સ્‍થાયી થયો છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨: કચ્‍છ જેવા શાંત ગણાતા જિલ્લામાં પણ નાની બાબતે ઉશ્‍કેરાટમાં હત્‍યાના બનાવો ચિંતા વધારી રહ્યા છે. પૂર્વ કચ્‍છના રાપર શહેરમાં એક ચિકન બિરિયાની રેસ્‍ટોરન્‍ટમાં માત્ર છાશના ગ્‍લાસ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરતા ૨૫ વર્ષીય યુવાનની હત્‍યા કરી દેવામાં આવી હતી. સૌથી કરુણ બાબત એ છે કે મળતકના પિતાની નજર સામે જ તેમના જુવાનજોધ દીકરાને મોતને ઘાટ ઉતારી દેવાયો.

મળતી માહિતી મુજબ, મળતક યુવાનનું નામ મહેબૂબ રિયાસતઅલી (ઉં.વ. ૨૫) છે. તેના પિતા રિયાસતઅલી રાપરની એક બિરિયાની રેસ્‍ટોરન્‍ટમાં કામ કરે છે. ગઈકાલે રાત્રે મહેબૂબ પણ રેસ્‍ટોરન્‍ટ પર ગયો હતો. દરમિયાન એક અજાણ્‍યા ગ્રાહક સાથે છાશના ગ્‍લાસ મુદ્દે તેની બોલાચાલી થઈ હતી. જોતજોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કર્યું અને ઉશ્‍કેરાયેલા અજાણ્‍યા શખ્‍સે મહેબૂબ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘવાયેલા મહેબૂબનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

આ સમગ્ર ઘટના મળતક મહેબૂબના પિતા રિયાસતઅલીની નજર સામે જ બની હતી. પોતાના દીકરાને બચાવવા તેઓ દોડ્‍યા પણ ત્‍યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. એક જ ઝાટકે પિતાએ પુત્ર ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

મળતક મહેબૂબનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. રોજગારી માટે વર્ષોથી કચ્‍છના રાપરમાં સ્‍થાયી થયો છે અને બિરિયાની રેસ્‍ટોરન્‍ટમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.

ઘટનાની જાણ થતા જ રાપર પોલીસ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી. રેસ્‍ટોરન્‍ટ અને આસપાસના વિસ્‍તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસે મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી અજાણ્‍યા આરોપી વિરુદ્ધ હત્‍યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. CCTV ફૂટેજ અને સ્‍થાનિક લોકોની પૂછપરછના આધારે આરોપીની શોધખોળ ચાલુ છે.

કચ્‍છ જેવા શાંત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નાની-નાની વાતમાં ઉશ્‍કેરાઈને હત્‍યા કરી નાખવાના બનાવો વધી રહ્યા છે. દર દસ-પંદર દિવસે એક હત્‍યાનો બનાવ સામે આવતા લોકોમાં ભય સાથે ચિંતા પણ જોવા મળી રહી છે. સમાજમાં વધી રહેલી અસહિષ્‍ણુતા ગંભીર બાબત બની રહી છે

(11:04 AM IST)