<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

૧૩ ઉમેદવારોના ફોર્મ રદ થયા બાદ જસદણના કાળાસર સહકારી મંડળીની ચુંટણી

મોકૂફ રાખવાના મનાઈ હુકમની અરજી નામંજુર

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૮: જસદણ તાલુકાના ગામ કાળાસર મુકામે આવેલ કાળાસર જુથ સેવા સહકારી મંડળીના વ્‍યવસ્‍થાપક કમીટીની મુદત પુરી થતા મંડળીની ચુંટણી અંગે સામાન્‍ય બેઠક-૧૨, સામાન્‍યસ્ત્રી-૨ તથા અનુસુચિત જાતિ અનામત-૧ અને નાના ખેડુત અને સિમાંત ખેડુત અનામત-૧ સભ્‍યોની ચુંટણી કરવા ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. ચુંટણી અધિકારી સમક્ષ સમક્ષ કુલ-૩૭ ઉમેદવારી પત્રો રજુ થયા હતા જે પૈકી ૧૩ ઉમેદવારી પત્રોમાં વ્‍યવસ્‍થાપક કમીટીની અલગ અલગ જગ્‍યાઓ માટે થઈ રહેલ ચુંટણી પૈકી કઈ બેઠક માટે ઉમેદવારી કરવા માગે છે તેનો ઉલ્‍લેખ કરવામાં આવેલ ન હોય, ચુંટણી અધિકારીએ આ ૧૩ઉમેદવારી પત્રો નામંજુર કર્યા હતા અને માન્‍ય રહેલા કુલ ૨૪ માન્‍ય ઉમેદવારોની યાદી તા.૨૩-૦૮-૨૦૨૬ ના રોજ જાહેર કરી હતી. ચુંટણી અધિકારીએ નામંજૂર કરેલા ૧૩ ઉમેદવારો ભાવેશભાઈ ગોવિદભાઈ રામાણી, ધનજીભાઈ મુળજીભાઈ રામાણી, માધાભાઈ માવજીભાઈ સાકરીયા, વિરજીભાઈ ખીમાભાઈ કાગડીયા, કાળુભાઈ નાથુભાઈ સાંકળીયા, વીનુભાઈ રવજીભાઈ કુકડીયા, પ્રાગજીભાઈ નાનજીભાઈ કુકડીયા, ભોળાભાઈ ભીખાભાઈ કુકડીયા, ભોળાભાઈ માવજીભાઈ બાવળિયાએ રાજકોટની લવાદ કોર્ટ સમક્ષ દાવો રજુ કરી ફોર્મ ગેરકાયદેસર રીતે નામંજુર કરવામાં આવેલ છે, ચુંટણી અધિકારી બેઠા થાળે ચુંટણી યોજી તેમના મળતીયાઓને વિજેતા જાહેર કરવા માંગે છે અને ચુંટણી અધિકારીએ પેટાનિયમ અને સહકારી કાયદાથી વિરુધ્‍ધ જઈ ચુંટણી પ્રક્રિયા કરેલ હોવાની રજુઆત કરી હતી. ઉપરાંત ચુંટણી પ્રક્રિયા રદ કરી ફરીથી નવા ચુંટણી અધિકારી નીમી ફરીથી ચુંટણી પ્રક્રિયા કરવા મનાઈ હુકમની માંગણી કરી હતી.

 કાળાસર મંડળી તથા ચુંટણી અધિકારી વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકટ નિલેશ પટેલે એવી રજુઆત કરેલ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓથી પ્રસ્‍થાપીત થયેલ સિધ્‍ધાંત મુજબ ચુંટણી પ્રક્રિયા અટકાવી શકાય નહિ. ચુંટણી અધિકારીએ કરેલ તમામ કાર્યવાહી કાયદા તથા નિયમ મુજબ કરવામાં આવેલ છે. વાદીઓએ તેમના ઉમેદવારી ફોર્મમાં કઈ બેઠક માટે ચુંટણી લડવા માંગે છે તેવુ જણાવેલ નથી, વાદીઓના ફોર્મ કાયદેસર રીતે નામંજુર કરવામાં આવેલ છે. તેમજ દાવામાં જે અન્‍ય સભાસદોએ ઉમેદવારી ફોર્મ ભરેલ છે તેઓને પક્ષકાર જોડવામાં આવેલ ન હોય, ચુંટણી પ્રક્રિયા તેઓને રજુઆતની તક આપ્‍યા વગર રદ કરી શકાય નહિ.

આમ આ પ્રકરણમાં જસદણના સહકારી અગ્રણી અને તાલુકા શંધના પ્રમુખ  કાળુભાઈ તલાવડીયાની પેનલની જીત થઈ હતી. કાળાસર મંડળી તથા ચુંટણી અધિકારી તરફથી રજુઆત ધ્‍યાને લઈ ભાવેશભાઈ રામાણી વીગેરે-૯ નાએ લવાદ કોર્ટ સમક્ષ કરેલ વચગાળાના મનાઈ હુકમની અરજી રદ કરવામાં આવેલ છે. આ દાવામાં કાળાસર જુથ સેવા સહકારી મંડળી તથા ચુંટણી અધિકારી તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ, રીધ્‍ધીબેન પીલોજપરા, નિકુંજબેન સાકરીયા, સહાયક એશા બુસા, મહેક ચીકાણી રોકાયા હતા

(1:26 PM IST)