તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશીપમાં ડંકો વગાડનાર કચ્છની દીકરીનું સન્માન
ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા ટીમમાં એક માત્ર ગુજરાતની ખેલાડી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ :.. તાજેતરમાં અમદાવાદમાં યોજાઈ ગયેલ રાજ્યની સૌ પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયન શીપમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમએ દેશનું વૈશ્વિક લેવલે ગૌરવ વધાર્યું છે. ગત ૩૧ ઓક્ટોબરે યુગાન્ડા સામેની મહિલા કબડ્ડી ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમએ ફત્તેહ મેળવી હતી. વિજેતા ટીમમાં ડિફેન્ડર તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર ખેલાડી સાભઈબેન ગઢવી મૂળ કચ્છના મોટા ભાડિયા ગામના વતની છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં તેઓ પસંદગી પામનાર ગુજરાતના એક માત્ર મહિલા ખેલાડી હોઈ તેમની આ સિદ્ધિને કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી રહી છે. જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલજગતમાં સફળતા મેળવનાર ખેડૂત પુત્રી સભાઈબેન ગઢવીની સંઘર્ષથી સફળતા સુધીની સફરમાં માતા પિતા અને ભાઈઓનું પ્રોત્સાહન મહત્વનું રહ્યું છે. કોમનવેલ્થ ચેમ્પિયન શીપમાં વિજેતા ભારતીય કબડ્ડી ટીમનો હિસ્સો બનવાનું ગૌરવ અને હરખ તેમની વાતમાં છલકે છે.
કચ્છના નાનકડા ગામની દીકરી રમતગમત ક્ષેત્રે દેશ વિદેશમાં કાઠું કાઢે તેનો આનંદ કચ્છી માડુઓને છે. સભાઈબેન ગઢવીની સિદ્ધિને સાંસદ વિનોદ ચાવડા અને શ્રી ભુજ કવીઓ જૈન મહાજને સન્માન દ્વારા બિરદાવી હતી.
આ પ્રસંગે શ્રી ભુજ કવીઓ જૈન મહાજનના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા ટ્રસ્ટીઓ ગીરીશ છેડા, વિનોદ ગાલા, અમિત વોરા મહિલા પાંખના પ્રીતિબેન છેડા, ભક્તિબેન વોરા, કેતનાબેન નાગડા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર છેડા પરિવાર વતી જ્યોતિબેન ગિરીશભાઈ છેડા પરિવારે સભાઈબેન ગઢવીનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ગઢવી ચારણ સમાજ મુંબઈના પ્રમુખ વાલજીભાઈ ગઢવી, સભાઈબેન ગઢવીના પરિવારજનો પિતા વાછિયાભાઈ, દાદા મૂળજીભાઈ, ભાઈ રામભાઈ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા અંકિત ગાલા અને હર્નિશ મહેતાએ સંભાળી હતી.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
