<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કે ૩૨૫ લાખના ઐતિહાસિક નફા સાથે ૭૮૩ કરોડનો બિઝનેસ હાંસલ કર્યો : નેટ NPA 0% રહ્યો: UPI, GPay, PhonePe, QR સેવાનો પ્રારંભ, ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણની ચૂકવણી

કચ્છ કો-ઓપરેટીવ બેન્ક: ૩૪,૦૦૦ પશુપાલકોને ગામમાં જ રોકડ ચૂકવણી, ૫૨૦ મંડળીઓને માઇક્રો એટીએમ : ઘર બેઠા બેન્કીંગ સુવિધા સાથે ધિરાણની સેવા: ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ થાપણદારો, ખેડૂતોનો માન્યો આભાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૨૦ : કચ્છ જીલ્લાની મધ્યસ્થ સહકારી બેન્ક ધી કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી. દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૬ ના નાણાંકિય વર્ષના અંતે રૂા.૩૨૫ લાખના ઐતિહાસિક નફા સાથે કુલ બીઝનેશ રૂા.૭૮૩ કરોડે પહોંચ્યો છે. ચાલુ વર્ષથી બેન્ક દ્વારા ડીજીટલ સેવાઓ મોબાઈલ બેન્કીંગ સાથે "UPI" દ્વારા GPay, PhonePe, QR નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

તા.૩૧/૦૩/૨૦૨૬ ના અંતે બેન્કનું નેટ NPA 0% રહેલ છે. બેન્ક દ્વારા વર્ષ દરમ્યાન રૂા.૨૬૮ કરોડનું ધિરાણ કરવામાં આવેલ, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને/પશુપાલકોને પાક ધિરાણમાં વ્યાજ સહાય રૂા.૧૨૫૪ લાખ ચૂકવવામાં આવતા ખેડુતોને 0% વ્યાજે પાકધિરાણ પુરૂ પાડવામાં આવેલ છે. બેન્કની ડિપોઝીટમાં વધારો થઈ રૂા.૫૨૫.૧૬ કરોડ થયેલ છે જે બેન્કના ગ્રાહકોના બેન્ક પ્રત્યે અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે.

 

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ થાપણદારોની થાપણ વીમા થી સુરક્ષિત છે. બેન્ક દ્વારા અન્યોની સરખામણીમાં ઉંચો વ્યાજદર થાપણદારોને ચુકવવામાં આવે છે. બેન્કનો CD રેશીયો ૫૧.૦૮ % રહેલ છે. બેન્ક દ્વારા કરંટ એકાઉન્ટ ધારકોને નિયમોને આધિન NEFT, RTGS, કોઈપણ ચાર્જ વગર કરી આપવામાં આવે છે.

 

બેન્ક તમામ વર્ગના લોકો માટે રૂરલ હાઉસીંગ લોન, ટુ વ્હીલર્સ વાહન લોન, પ્રોપર્ટી મોર્ગેજ સામે લોન, સરકારી કર્મચારીઓને ગૃહ વપરાશી સાધન ખરીદવા માટે લોન, ખેડુતો અને પશુપાલકો માટે નાબાર્ડના યુનિટ કોસ્ટ આધારિત મધ્યમ મુદતના પ્રોજેક્ટ ધિરાણ, પાક ધિરાણ તથા પશુપાલકો માટે પશુ નિભાવ લોન ઉપરાંત ખેડુતોને વધારાની કેશ ક્રેડીટ, સ્વ-સહાય જૂથો, જોઈન્ટ લાયબીલીટી ગ્રુપો ને નાના પાયે ધિરાણની યોજનાઓ, સરલ કેશ ક્રેડીટ, સરલ માસિક હપ્તા વાળી ધીરાણ યોજના ન્યુનતમ વ્યાજદરે કોઈ છુપા ચાર્જ વીના અમલમાં છે.

 

સમગ્ર કચ્છમાં ૧૮ શાખાઓ મારફત બેન્ક રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ બેકીંગ કાર્યવાહી કરી રહેલ છે. "સહકાર થી સમૃધ્ધિ" અંતર્ગત છેવાડાના માનવી સુધી બેન્કની સુવિધા મળી રહે તે હેતુથી દરેક ગ્રામ પંચાયતને બેન્કની સુવિધા મળવાના હેતુસર અમલમાં મુકેલ પાયલોટ પ્રોજેક્ટમાં તમામને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવા અને સહકારનાં લાભો છેવાડાના માનવી સુધી પહોચાડવા ના શુભ આશયથી દરેક ગ્રામ પંચાયત ને સહકારી સેવા મંડળી કે દુધ મંડળી સાથે સાંકળવા નો દૃઢ નિશ્ચય કરેલ છે. ત્યારે ૨૫ જેટલી નવી બહુહેતુક મંડળીઓ ની રચના કરવામાં આવેલ છે. ૧૫૮ મંડળીઓને સરકારશ્રીની કોમ્પ્યુટરાઈઝેશન યોજનામાં જોડવામાં આવેલ છે.

કરોડની આજુબાજુનું ચુકવણું છેવાડાના પશુપાલક સુધી પહોંચે તેવા પ્રયાસો ધી કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક દ્વારા કરવામાં આવે છે. સરહદ ડેરી સાથે જોડાયેલ ૩૪,૦૦૦ પશુપાલકોને તથા બેન્કના તમામ ગ્રાહકોને તેમના જ ગામમાં રોકડ નાણાં મળી રહે તે હેતુથી ૫૨૦ મંડળીઓને માઈક્રો એ.ટી.એમ. અપાયા છે.

મંડળી સુધી રોકડ પહોચાડવાની વ્યવસ્થા બેન્ક દ્વારા કરવામાં આવે છે, જેથી પશુપાલકો અને ગ્રામજનોને ઘર બેઠા બેન્કીંગ સુવિધા મળી રહે છે. તેમજ ધીરાણની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

બેન્ક દર વર્ષે પ્રગતીના સોપાનો સર કરે છે તેમાં સદાય સાથ અને સહકાર જેમનો મળતો રહે છે તે તમામ થાપણદારો, સહકારી સંસ્થાઓ, કચ્છના ખેડુતો, પશુપાલકો, બેન્કના ગ્રાહકો, બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નાબાર્ડ, RBI, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી., કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તેમજ કચ્છના સાંસદશ્રી, કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ બેન્કના સૌ કર્મચારીઓને અભિનંદન આપવાની સાથે બેન્કના ચેરમેન દેવરાજભાઈ કે. ગઢવીએ આભારની લાગણી વ્યક્ત કરેલ છે.

આવનારા દિવસોમાં પણ બેન્ક દ્વારા પોતાનો કાર્યભંડોળ વધારી મહત્તમ કચ્છના કિસાનો તેમજ પશુપાલકો અને છેવાડાના માનવી સુધી પહોંચીને બેન્ક દ્વારા ઉપયોગી થવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું ચેરમેન દેવરાજભાઈ કે. ગઢવીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જીલ્લાની તમામ સહકારી સંસ્થાઓ અને સહકાર સાથે જોડાયેલ વ્યક્તિઓ, કચ્છના તમામ ધંધાર્થીઓ તેમજ નાગરીકોએ તેમના નાણાંકીય વ્યવહારો આપણી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે કરવા ચેરમેનશ્રીએ વિનંતી કરેલ છે.

(9:29 AM IST)