તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
કુચીયાદળના પરેશ ચોૈહાણ અને મિત્ર હર્ષદ પર ફાળદંગમાં ૮ શખ્સનો હુમલોઃ કારમાં તોડફોડ
નંબર વગરની સ્કોર્પિયોમાં આવેલા શીવરાજ, રિકલો સહિતે પરેશને ‘તારે હર્ષદ સાથે રહેવું નહિ' કહી ડખ્ખોઃ હર્ષદ અને રીકલાને જુની અદાવત હોઇ ખાર રાખી ધમાલ મચાવીઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૯: કુવાડવાના કુચીયાદળમાં રહેતો ખેડૂત યુવાન પોતાની કારમાં મિત્રને સાથે લઇ ફાળદંગ ગામે મિત્રના સસરાના ઘરે આટો મારવા ગયો હોઇ અને પરત બે મિત્રો સાથે આવતો હતો ત્યારે ફાળદંગ ગામના ગેઇટ પાસે ચોકમાં ફાળંદગના જ આઠ શખ્સોએ નંબર વગરની સ્કોર્પિયોમાં આવી ઝઘડો કરી ઢીકા-પાટુ લાકડીથી બે મિત્રોને માર મારી તેની કારમાં પણ તોડફોડ કરી હવે પછી આ ગામમાં દેખાણા તો જીવતા નહિ મુકીએ તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં કુવાડવા પોલીસે કુચીયાદળ ગામમાં કોળીવાસમાં રહેતાં પરેશભાઇ હેમતભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૧) નામના યુવાનની ફરિયાદ પરથી ફાળદંગ ગામના શીવરાજ કાઠી અને રીકલો તથા છ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પરેશભાઇ ખેતી કરવા સાથે જેસીબી ઓપરેટરનું કામ કરી ગુજરાન ચલાવે છે.
પરેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૭મી તારીખના રોજ તે તેમના મિત્રો હર્ષદભાઇ પ્રવીણભાઈ અને સાગર ગોબરભાઇ સાથે પોતાની એક્સયુવી-૩૦૦ કાર નંબર જીજે૦૩એનબી-૬૫૦૯ લઈને ફાળદંગ ગામે હર્ષદભાઈના સાસરે આંટો મારવા ગયા હતા. હર્ષદભાઇના પત્નિ બાળકોને લઇ તેણીના પિયરે ગયા હોઇ જેથી હર્ષદભાઇને ત્યાં આટો મારવા જવું હોઇ પરેશભાઇ અને સાગરભાઇ પણ સાથે ગયા હતાં.બાદમાં મોડી રાત્રે પરત ફરતી વખતે કુવાડવા ગામના મેઇન ગેઇટ પાસે ચોકમાં નાસ્તો કરવા ઉભા રહ્યા હતા, ત્યારે કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોરચ્યુનર ગાડીમાં સવાર થઈને આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો કરનારાઓમાં ફાળદંગનો શીવરાજ કાઠી તથા રીકલો અને છ અજાણ્યા શખ્સો સામેલ હતાં.
આ બધાએ આવીને શું છે તમારે? કહેતાં પરેશભાઇએ બોલો ને ભાઇ શું હતું? તેમ પુછતાં આ શખ્સોએ તેને ‘તારે હર્ષદ સાથે રહેવું નહિ' તેમ કહી ગાળો આપી હતી. ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ પરેશભાઇને ઢીકાપાટુ મારવાનું ચાલુ કર્યુ હતું. આ વખતે મિત્ર હર્ષદભાઇ વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરી હતી.બાદમાં શીવરાજ કાઠીએ પોતાની ગાડીમાંથી લાકડી કાઢી પરેશભાઇને માર માર્યો હતો અને અન્ય શખ્સોએ પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ જતી વખતે જો ફરી આ બાજુ દેખાયા તો જીવતા નહીં મુકુ તેવી ધમકી આપી નાસી છૂટયા હતા. બનાવ અંગે પરેશભાઇએ તાત્કાલિક ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી. પ્રાથમિક સારવાર લીધા બાદ હવે ફરિયાદ નોંધાવી છે. હર્ષદભાઈ અને રીકલા વચ્ચેની જૂની અદાવતમાં મનદુઃખ ચાલતું હોઇ પરેશભાઇ મિત્ર હર્ષદભાઇ સાથે ગયા હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં હેડકોન્સ. વી. જે. ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
