<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

જાળિયા ગામે શિવકુંજ આશ્રમ આયોજિત ભાગવત કથામાં ભક્તિભાવપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી : શરીર, ઘર, ગામ અને રાષ્ટ્રની સ્વચ્છતા સાથે દિવ્યતા અને પ્રભુતા જોડાયેલી છે - વિશ્વાનંદ માતાજી

નૂતનવર્ષ પ્રારંભે યોજાયેલી જ્ઞાનયજ્ઞમાં કૃષ્ણ ચરિત્ર અને શાસ્ત્ર ચિંતન સાથે શ્રોતાઓ ભક્તિરસમાં ઝૂમ્યા : જાણીતા સાક્ષર ભદ્રાયુ વછરાજાની, ટીંબી દવાખાનાના બાબુભાઈ રાજપરા સહિત સંતો-મહંતો અને બગદાણા ગુરુઆશ્રમના સેવકોની વિશેષ ઉપસ્થિતિ

જાળિયા: શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા નૂતનવર્ષના પ્રારંભ નિમિત્તે આયોજિત ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં ભક્તિ અને જ્ઞાનનો અનોખો સંગમ જોવા મળ્યો છે. કથાના વ્યાસપીઠ પરથી વક્તા વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્રોના ગહન જ્ઞાન સાથે વર્તમાન સમાજ જીવન માટે અત્યંત ઉપયોગી ચિંતન બોધ પીરસ્યો હતો. કથા દરમિયાન ભગવાન કૃષ્ણના જન્મોત્સવની અત્યંત આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ શ્રોતા ભાવિકો ભક્તિરસમાં તરબોળ થઈને ઝૂમી ઉઠ્યા હતા.

સ્વચ્છતામાં જ પ્રભુતાનો વાસ હોવાનો સંદેશ:
વ્યાસપીઠ પરથી કૃષ્ણ ચરિત્ર અને લીલાઓનું સુંદર ગાન કરતા વિશ્વાનંદ માતાજીએ સ્વચ્છતાના મહિમા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માનવીના શરીર, ઘર, ગામ અને સમગ્ર રાષ્ટ્રની સ્વચ્છતા સાથે જ દિવ્યતા અને પ્રભુતા જોડાયેલી છે. દરેક નાગરિકે આંતરિક અને બાહ્ય સ્વચ્છતા જાળવવા માટે હંમેશા જાગૃત રહેવું જોઈએ તેવો પ્રેરણાદાયી સંદેશ તેમણે ઉપસ્થિત જનમેદનીને આપ્યો હતો.

વિદ્વાનો અને સેવાભાવી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ:
જાળિયા ગામે યોજાયેલી આ ભાગવત કથામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જાણીતા સાક્ષર અને વિદ્વાન ભદ્રાયુ વછરાજાનીએ વિશ્વાનંદ માતાજીના સેવાકાર્યો, આશ્રમ પરિવાર તેમજ ગામની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને મુક્તકંઠે બિરદાવી હતી. આ ઉપરાંત ટીંબી સ્થિત નિર્દોષાનંદ માનવસેવા દવાખાનાના બાબુભાઈ (બી.એલ.) રાજપરાએ પણ આશ્રમની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

સંતો-મહંતો અને સામાજિક અગ્રણીઓનો મેળાવડો:
આ પાવન ધાર્મિક પ્રસંગે રામદાસજી માતાજી, ભગવાનદાસ બાપુ અને ગાયત્રી માતાજી સહિતના પૂજ્ય સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. કથાનો લાભ લેવા માટે ગુરુઆશ્રમ બગદાણાના સેવક કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(1:18 PM IST)