તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 17th November 2026
હલેન્ડામાં વીજતાર માથે પડતાં કોળી દંપતીનું મોત
વાડીમાં થોડે દુર કામ કરતા પુત્ર હસખુભાઇ અને પુત્રવધુ દયાબેન બચાવવા જતા તેમને પણ કરંટ લાગ્યોઃ ૬૫ વર્ષિય ગાંડુભાઇ વાવડીયા અને ૬૨ વર્ષિય કાંતાબેન વાવડીયાના મૃત્યુથી ૮ સંતાનાઓએ માતા-પિતા ગુમાવ્યાઃ જીઇબી અધિકારીઓ, આજીડેમ પોલીસે પહોંચી કાર્યવાહી કરીઃ કોળી પરિવાર અને ગામમાં ગમગીનીઃ જર્જરીત વિજવાયરો રીપેર કરવા અંગે અગાઉ પણ રજૂઆત થઇ હતી

માતા પિતાને બચાવવા જતાં પુત્ર હસમુખભાઇ, પુત્રવધુ દયાબેનને પણ કરંટ લાગતાં સારવાર લીધી હતી : ઘટના સ્થળે દંપતિના નિષ્પ્રાણ દેહ અને બંનેના ફાઇલ ફોટો જોઇ શકાય છે
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૭ રાજકોટ-આટકોટ રોડ ઉપર આવેલા હલેન્ડા ગામે આજે સવારે અત્યંત કરૂણ ઘટના બની હતી. પોતાની વાડીમાં ખેતી કામ કરી રહેલા વૃધ્ધ પતિ-પત્નિ પર વિજતાર તૂટીને પડતાં બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતાં. માતા-પિતાને બચાવવાના પ્રયાસમાં ખેતરમાં થોડે દૂર કામ કરી રહેલા દિકરા-વહૂ દોડી અવ્યા હતાં. તેમને પણ વિજકરંટની અસર થઇ હતી. આ બનાવને પગલે કોળી પરિવાર અને ગામમાં ગમગીની વ્યાપી ગઇ છે. જર્જરીત વિજવાયરો અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવાનો ગામલોકોએ ઉકળાટ ઠાલવી તંત્રવાહકો સામે રોષ દાખવ્યો હતો. આ કરૂણ ઘટનામાં આઠ સંતાનોએ માતા-પિતાને એક સાથે ગુમાવી દીધા હતાં. જે પૈકીના એક દિકરો, વહુ ઘટના સ્થળે જ હતાં અને તેમની નજર સામે જ માતા-પિતાનો જીવ નીકળી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ હલેન્ડામાં રહેતાં ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા (કોળી) (ઉ.વ.૬૫) અને તેમના પત્નિ કાંતાબેન ગાંડુભાઇ વાવડીયા (ઉ.વ.૬૨) નિત્ય ક્રમ મુજબ આજે સવારે હલેન્ડા ઉમરાળી રોડ પર આવેલી પોતાની વાડીએ પહોંચીને પોતાના ખેતરના કામમાં વળગી ગયા હતાં. તેમનો દિકરો, વહૂ પણ વાડીમાં કામ કરતાં હતાં. આ દરમિયાન ખેતરમાંથી પસાર થતો વીજતાર અચાનક ઉપરથી તૂટીને ગાંડુભાઇ અને તેમના પત્નિ કાંતાબેન ઉપર પડયો હતો. જીવંત વિજતાર માથે આવતાં જ બંને વૃધ્ધ પતિ-પત્નિને જોરદાર કરંટ લાગતાં દેકારો મચાવ્યો હતો. આ વખતે તેમના પુત્ર હસમુખભાઇ વાવડીયા અને પુત્રવધૂ દયાબેન વાવડીયા બંનેને બચાવવા માટે દોડી આવ્યા હતાં. પરંતુ તેમને પણ કરંટ લાગતાં તેઓ ફેંકાઇ ગયા હતાં. હસમુખભાઇ અને દયાબેનને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ પ્રાથમિક સારવાર અપાઇ હતી. તેમની હાલત ભયમુક્ત જાહેર થઇ હતી.
જોરદાર કરંટને કારણે દિકરા-વહૂની નજર સામે જ વૃધ્ધ દંપતિ એક સાથે કાળનો કોળીયો ગયું હતું. બનાવની જાણ ૧૦૮ને કરાઇ હતી. તેના તબિબે બંનેને મૃત જાહેર કરતાં આજીડેમ પોલીસની ટીમે પહોંચી કાર્યવાહી કરી હતી. ઘટનાની જાણ થતા જ તાલુકા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ગરૈયા સહિત મોટી સંખ્યામા ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતાં. પોલીસે કાર્યવાહી બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં.
ગામલોકોના કહેવા મુજબ અગાઉ પણ જર્જરતી વિજતાર અંગે અમે સંબંધીતોને રજૂઆત કરી હતી. એ દરમિયાન આજે એકાએક વિજતાર તૂટી પડતાં પતિ-પત્નિના મૃત્યુથી વાવડીયા પરિવારનો માળો વેરણ છેરણ થઇ ગયો છે. મૃત્યુ પામનાર ગાંડુભાઇ વાવડીયા ચાર બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં ચાર દિકરા અને ચાર દિકરી છે. આઠ સંતાનોએ એક સાથે માતા-પિતા ગુમાવી દેતાં પરિવારમાં અને ગામમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
