<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

તળાજાના દિહોર ગામે વાડીમાં હત્‍યા

મગફળી કાઢવાના કામમાં બોલાચાલી બાદ ઉશ્‍કેરાયેલા શખ્‍સે પાવડાનો ઘા ઝીંકી ૫૫ વર્ષીય આધેડને પતાવી દીધો

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ તા.૨૪, તળાજાના દિહોર ગામે વાડીમાં કામ દરમિયાન થયેલો સામાન્‍ય ઝઘડો હત્‍યામાં પરિણમ્‍યો હતો. દિહોર ગામે દિગુભા ગોહિલની વાડીમાં માલઢોરના તબેલામાં કામ કરતા ભરતભાઈ તુલસીભાઈ દલસાણીયા (ઉ.વ.૫૫)ની સાથે વાડીમાં મગફળી કાઢવા માટે કામ કરતા સંજય નામના શખ્‍સ સાથે ઝઘડો થતાં ઉશ્‍કેરાઈ જઈ સંજયે ભરતભાઈના માથાના ભાગે પાવડાનો ઘા ઝીંકી દેતા તેનું મોત નિપજ્‍યું હતું.

દિગુભા ગોહિલની વાડીમાં ભરતભાઈ દલસાણીયા માલઢોરના તબેલામાં કામ કરતા હતા. જ્‍યારે સંજય નામનો શખ્‍સ મગફળી કાઢવાના કામે રોકાયો હતો. કામ દરમિયાન બંને વચ્‍ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા સંજય ઉશ્‍કેરાઈ ગયો હતો અને હાથમાં રહેલા પાવડાથી ભરતભાઈના માથાના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. ગંભીર ઈજા થતા ભરતભાઈનું ઘટનાસ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.

બનાવની જાણ થતાં જ તળાજા પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. પોલીસે મળતદેહનો કબજો લઈ પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્‍યા કરનાર શખ્‍સ સંજય અંગ પોલીસે તપાસ શરૂ કરી છે. ઝઘડાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ વાડીમાં કામ કરતા અન્‍ય મજૂરોના નિવેદનો લઈ રહી છે

(1:23 PM IST)