<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

બ્લેકના નાણાં મુદ્દે અપહરણકાંડ : રાજકોટના બેંક કર્મચારીને પરિવાર સાથે બંધક બનાવ્યો

આરોપી ચિરાગ આહિર મારફતે જયદીપસિંહ જાડેજા સાથે વ્હાઈટ નાણાંને બ્લેકમાં રૂપાંતરિત કરવાની વ્યવસ્થા થઈ હતી. : 9.75 લાખની ઉઘરાણી બાદ પોલીસે બચાવ્યો :

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 27 :  જામનગરમાં બ્લેક મનીને વ્હાઈટ કરવા સંબંધિત વ્યવહારમાંથી ઊભા થયેલા વિવાદે ગંભીર અપહરણકાંડનું સ્વરૂપ લીધું છે. રાજકોટના એક બેંક કર્મચારી અને તેના પરિવારનું અપહરણ કરી આરોપીઓએ જામનગરના બંગલામાં બંધક બનાવી મારકૂટ કરી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

ફરિયાદ મુજબ, આરોપી ચિરાગ આહિર મારફતે જયદીપસિંહ જાડેજા સાથે વ્હાઈટ નાણાંને બ્લેકમાં રૂપાંતરિત કરવાની વ્યવસ્થા થઈ હતી. આ વ્યવહારમાં 27.20 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા, પરંતુ સમયસર રકમ પરત ન થતાં આરોપીઓએ કાવતરું રચ્યું હતું.

 

ચોટીલા ટોલ નાકા પાસે અપહરણ

 

 

તા. 24 એપ્રિલની સાંજે ફરિયાદી પત્ની, પુત્રી, મિત્ર અને ડ્રાઈવર સાથે રાજકોટથી અમદાવાદ જવા નીકળ્યા હતા. ચોટીલા ટોલ નાકા નજીક સ્કોર્પિયો ગાડી આડી રાખી આરોપીઓએ તેમની કાર રોકાવી બળજબરીથી તમામનું અપહરણ કર્યું હતું.

 

બંગલામાં બંધક બનાવી મારકૂટ

 

આરોપીઓ ફરિયાદીને જામનગર લાવી ગીતામંદિર નજીકના બંગલામાં એક રૂમમાં બંધક બનાવી દીધા. મોબાઇલ ફોન છીનવી લઈ, મારકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પૈસા આપવા દબાણ કર્યું. 

દબાણમાં આવી ફરિયાદીએ આંગડિયા મારફતે અને રોકડ મળીને કુલ 9.75 લાખ રૂપિયા આરોપીઓને આપ્યા. તેમ છતાં વધુ રકમ માટે બંધક રાખી સતત મારકૂટ ચાલુ રાખી હતી.

 

પોલીસે છોડાવ્યો, આરોપી પકડાયા

 

 

આરોપીઓએ ફરિયાદીની પત્ની અને પરિવારજનોને મુક્ત કર્યા બાદ ફરિયાદીને ફરી અન્ય સ્થળે લઈ જઈ વધુ રકમ માટે દબાણ કર્યું. આખરે ફરિયાદીએ પત્નીને ફોન કરી ઘટનાની જાણ કરતા સિટી બી. ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. 

પોલીસે આરોપીઓના કબજામાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યો અને અપહરણમાં સંડોવાયેલા આરોપીઓની અટકાયત કરી છે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:39 PM IST)