<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

સુરેન્દ્રનગરનાં પાટડીમાં 4 વર્ષનાં બાળકનું અપહરણ : કારણ જાણ્યું તો પોલીસનાં પગ નીચેથી જમીન સરકી ગઈ

અમદાવાદ પોલીસને મળતા જ સોલા પોલીસે ગણતરીનાં કલાકોમાં મહિલાને પકડી બાળકીને મુક્ત કરાવી

સુરેન્દ્રનગરનાં પાટડીમાં 4 વર્ષનાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું, પોલીસને કલાકો બાદ બાળકનાં પિતાએ જાણ કરી પોલીસે સીસીટીવી તપાસ કરતા એક શંકાસ્પદ મહિલા બાળક સાથે જોવા મળી. જેની માહિતી અમદાવાદ પોલીસને મળતા જ સોલા પોલીસે ગણતરીનાં કલાકોમાં મહિલાને પકડી બાળકીને મુક્ત કરાવી હતી. અપહરણ પાછળનું પોલીસે જાણ્યું તો પોલીસનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

 

સુરેન્દ્રનગરનાં પાટડી ખાતે પાટડી બસ સ્ટેન્ડ પાસેથી બીજી સપ્ટેમ્બરે સવારે 10:30 વાગે 4 વર્ષનાં બાળકનું અપહરણ થયું હતું, રોડ પર રહેતા પરિવારનું બાળક રમતું હતુ ત્યારે એક મહિલા તેની પાસે આવી અને કોઈ લાલચ આપીને પોતાની સાથે લઈ ગઈ હતી. બાળકની માતા હયાત ન હોય અને માત્ર પિતા હોય તેના પિતાને બાળક ગુમ થવાની જાણ થતા પાટડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે આસપાસનાં સીસીટીવી તપાસ કરતા મહિલાએ બાળકનું અપહરણ કર્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી ગુનો દાખલ કરી મહિલાનાં ફોટો અને સીસીટીવી સમગ્ર ગુજરાત પોલીસને પહોંચાડ્યા હતા. જોકે, આ મહિલા ત્યાંથી અમદાવાદ આવી હોવાનું સોલા પોલીસને ઈનપુટ મળ્યું હતું. જેથી અલગ અલગ ટીમો લગાવી અંતે સોલા સિવિલ સામેના બ્રિજ નીચેથી મહિલાને પકડી બાળકને અપહરણમાંથી મુક્ત કરાવ્યું હતું.

 

પોલીસ જ્યારે મહિલા અને બાળક પાસે પહોંચી ત્યારે બાળક ભીક્ષાવૃતિ કરતુ જોવા મળ્યું, જેથી મહિલાની ધરપકડ કરી પુછપરછ કરતા તેનું નામ મીના ઉર્ફે રમીલા જગદીશ નાથબાવા હોવાનું જાણવા મળ્યું. અપહરણ કરવા પાછળનું કારણ પુછાતાં આરોપીએ ભીક્ષાવૃતિ કરાવવા માટે આ બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે આરોપી સુરેન્દ્રનગર શા માટે ગઈ હતી તે પુછતા તે રક્ષાબંધનના કામથી ત્યાં ગઈ હોવાનું રટણ કરી રહી છે. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપી મહિલાને અગાઉ લગ્ન થયા હતા જે લગ્નજીવનમાં બે બાળકો છે, જોકે, તેનો પૂર્વ પતિ બાળકો સાથે અરવલ્લીનાં ભીલોડામાં રહે છે અને હાલ તે અન્ય પુરુષ સાથે રહી છૂટક મજૂરી કરે છે.

 

માસૂમ બાળકનું અપહરણ કરી તેની પાસે ભીક્ષાવૃતિ જેવું ગંદુ કામ કરાવનાર મહિલાને સોલા પોલીસે અપહરણનાં માત્ર 26 કલાકમાં પકડી પાડી છે, જોકે આ મહિલા સાથે ગુનામાં કોઈ સામેલ હતું કે કેમ અને તેને આ બાળકની ભીક્ષાવૃતિ કરાવવા માટે કેમ જરૂર પડી, તે સુરેન્દ્રનગર કયા કામ માટે ગઈ હતી અને અગાઉ કોઈ બાળક સાથે આવું કામ કરાવી ચૂકી છે કે કેમ તે તમામ પાસાં પર તપાસ હાથ ધરાઈ રહી છે, હાલ તો પોલીસે બાળકને પાટડી પોલીસને હવાલે કરી તેનાં પિતાને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે આવનાર સમય બતાવશે.

(9:15 PM IST)