News of Monday, 19th October 2026
જામનગરમાં ૧૦,૦૦૦ મોબાઈલની ફ્લેશલાઈટથી ઝગમગી ઉઠ્યું ખોડલધામ
મેદાનઃ માં ખોડલના પ્રાગટય મહોત્સવે યોજાઈ ભક્તિમય ડિજિટલ મહાઆરતી આકાશમાંથી જાણે તારલા ઊતર્યા હોય તેવો અલૌકિક નજારો સર્જાયોઃ ડ્રોન કેમેરામાં કેદ થયાં ભવ્ય દ્રશ્યોઃ સાતેય બહેનોના પ્રાગટય દર્શને ભાવિકો ભાવવિભોર

(મુકુંદ બદિયાણી દ્વારા) તા.૧૯: જામનગર શહેરના લાલપુર બાયપાસ ચોકડી નજીક આવેલા ખોડલધામ મેદાન ખાતે આયોજિત ભવ્યાતિભવ્ય શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં આસો નવરાત્રીના પાવન આઠમા નોરતે ભક્તિ, અપરંપાર શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનો અદ્વુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મા ખોડલના પ્રાગટય મહોત્સવના આ વિશેષ પ્રસંગે યોજાયેલી દિવ્ય મહાઆરતીમાં સમગ્ર ગ્રાઉન્ડમાં ઉપસ્થિત ૧૦,૦૦૦થી પણ વધુ ભક્તોએ એકસાથે પોતપોતાના મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ પ્રગટાવીને ‘ડિજિટલ દીવડા'ની એક અદ્વુત અને અભૂતપૂર્વ મહાઆરતી સંપન્ન કરી હતી.
એકસાથે ૧૦,૦૦૦થી વધુ હાથોમાં રહેલા સ્માર્ટફોનની ફ્લેશલાઈટનો પ્રકાશ ઝગમગી ઊઠ્યો હતો. એક જ સેકન્ડમાં પ્રગટેલા આ હજારો ડિજિટલ દીવડાઓએ આખા પરિસરમાં એક અલૌકિક અને દિવ્ય રોશની પાથરી દીધી હતી. આકાશમાં ડ્રોન કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવેલા દ્રશ્યોમાં સમગ્ર મેદાન જાણે સોનેરી તારલાઓથી ઝળહળતું હોય તેવો દર્શનીય નજારો જોવા મળ્યો હતો. મા ખોડલના ગગનભેદી જયઘોષ અને ઉત્કટ ભક્તિભાવ વચ્ચે યોજાયેલી આ ડિજિટલ આરતી સમગ્ર નવરાત્રી મહોત્સવનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
મહાઆરતીના ભક્તિમય કાર્યક્રમ બાદ હજારો ખેલૈયાઓએ પરંપરાગત તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં વડીલો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આસો નવરાત્રીના આ મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
