તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th October 2026
મોરબીમાં ખેલ મહાકુંભ-2026: 39 રમતોમાં 7 વયજૂથના ખેલાડીઓ બતાવશે પોતાનું કૌવત.
11 થી 19 ઓક્ટોબર અને 27 નવે.થી 06 ડિસે. દરમિયાન સ્પર્ધાઓ યોજાશે, વિજેતા ખેલાડીઓ અને શ્રેષ્ઠ શાળાઓને મળશે લાખો રૂપિયાના રોકડ પુરસ્કાર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી દ્વારા સંચાલિત 'ખેલ મહાકુંભ-2026' અંતર્ગત મોરબી ગ્રામ્ય જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના રમતવીરો માટે પોતાની પ્રતિભા ખીલવવાનો આ એક સુવર્ણ અવસર છે.
આ સ્પર્ધાઓ મુખ્યત્વે બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કો તારીખ 11-10-2026 થી 19-10-2026 સુધી અને બીજો તબક્કો 27-11-2026 થી 06-12-2026 દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં કુલ 39 જેટલી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ ગ્રુપ, 40 વર્ષથી ઉપરના અને 60 વર્ષથી ઉપરના એમ કુલ 7 અલગ-અલગ વયજૂથમાં હરિફાઈઓ યોજાશે.
તાલુકાથી રાજ્ય કક્ષા સુધી પહોંચવાની તક.
તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં વ્યક્તિગત રમતોમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર ખેલાડીઓ તથા ટીમ રમતમાં વિજેતા બનેલી બે ટીમોને જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના પ્રતિભાશાળી ખેલાડીઓ અને પસંદગી પામેલી ટીમો ઝોન તથા રાજ્ય કક્ષા સુધી મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
વિજેતા ખેલાડીઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારો.
રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા આકર્ષક રોકડ પુરસ્કારોની જાહેરાત ક૨વામાં આવી છે:
તાલુકા કક્ષાએ: વ્યક્તિગત રમતોમાં પ્રથમ વિજેતાને રૂ. 1500, દ્વિતીયને રૂ. 1000 અને તૃતીયને રૂ. 750 મળશે. જ્યારે ટીમ રમતમાં વિજેતાઓને અનુક્રમે રૂ. 1000, 750 અને 500 રોકડ ઈનામ અપાશે.
જિલ્લા કક્ષાએ: વ્યક્તિગત રમતોમાં પ્રથમ વિજેતાને રૂ. 5000, દ્વિતીયને રૂ. 3000 અને તૃતીયને રૂ. 2000 અપાશે. જ્યારે ટીમ રમતમાં વિજેતાઓને અનુક્રમે રૂ. 3000, 2000 અને 1000 નો પુરસ્કાર મળશે.
રાજ્ય કક્ષાએ: વ્યક્તિગત રમતોમાં પ્રથમ વિજેતાને રૂ. 10000, દ્વિતીયને રૂ. 7000 અને તૃતીયને રૂ. 5000 અપાશે. જ્યારે ટીમ રમતમાં વિજેતાઓને અનુક્રમે રૂ. 5000, 3000 અને 2000 રોકડ ઈનામ અપાશે.
શ્રેષ્ઠ શાળાઓ અને કોચનું કરાશે સન્માન.
ખેલાડીઓને તૈયાર કરતી શાળાઓ માટે પણ મોટા પુરસ્કારોની જોગવાઈ છે. શ્રેષ્ઠ શાળાની શ્રેણીમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર શાળાને રૂ. 25000, દ્વિતીયને રૂ. 15000 અને તૃતીયને રૂ. 10000 અપાશે. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાને અનુક્રમે રૂ. 150000, 100000 અને 75000 અપાશે, જ્યારે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાઓને અનુક્રમે રૂ. 500000, 300000 અને 200000 સુધીનો પુરસ્કાર એનાયત કરાશે.
આ ઉપરાંત રાજ્ય કક્ષાના વિજેતા વ્યક્તિગત ખેલાડીઓ અને ટીમના કોચને પણ રૂ. 1500 થી લઈને રૂ. 500 સુધીના રોકડ ઈનામો અપાશે.
વધુ માહિતી માટે ક્યાં સંપર્ક કરવો?
સ્પર્ધાનો સવિસ્તર કાર્યક્રમ, સ્થળ અને અન્ય માહિતી માટે ખેલ મહાકુંભની અધિકૃત વેબસાઇટ
www.khelmahakumbh.gujarat.gov.in ની મુલાકાત લેવા તથા ટોલ-ફ્રી નંબર
18002746151 પર સંપર્ક કરવા માટે મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
