તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ખાખીનો માનવતાવાદી ચહેરો: સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ રક્ષક બની માત્ર 6 જ કલાકમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા 51 લાખના દાગીના
નાણાં ચૂકવ્યા છતાં દાગીના દબાવી રાખનાર શખ્સો સામે પોલીસની લાલ આંખ: 35 તોલા સોનું મૂળ માલિકને પરત સોંપી પોલીસ અધિક્ષકે પ્રજાલક્ષી કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર પોલીસ દ્વારા વ્યાજખોરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી પ્રજાલક્ષી કામગીરીનો નમૂનો પેશ કરવામાં આવ્યો છે. શહેરના અનિલભાઈ પરમારે પોતાની જરૂરિયાત માટે 35 તોલા સોનું ગીરવે મૂક્યું હતું, પરંતુ નાણાંની પૂરેપૂરી ચુકવણી કર્યા બાદ પણ જાલાભાઈ બાંભા અને હિતેશભાઈ નામના શખ્સો દાગીના પરત આપતા નહોતા અને વધુ નાણાંની પઠાણી ઉઘરાણી કરતા હતા. આ અંગે ભોગ બનનાર દ્વારા એસપી પ્રેમસુખ ડેલુને રજૂઆત કરવામાં આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ન્યાયની પ્રક્રિયા તેજ કરી હતી.
એસપીએ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક એ-ડિવિઝન પોલીસને સૂચના આપી કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પોલીસની કડકાઈ સામે બંને શખ્સો નરમ પડ્યા હતા અને ગણતરીના છ કલાકમાં જ 51 લાખની કિંમતના દાગીના પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. જિલ્લા પોલીસ વડાએ પોતે આ કિંમતી દાગીના મૂળ માલિકને પરત સોંપ્યા હતા. ખાખી વર્દીના આ ત્વરિત પ્રતિસાદ અને ન્યાય અપાવવાની પદ્ધતિએ સમગ્ર પંથકમાં ભારે સરાહના મેળવી છે અને લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.
આ સફળ કામગીરી બાદ એસપી પ્રેમસુખ ડેલુએ જનતાને નિર્ભય બનીને આગળ આવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વ્યાજખોરો કે માથાભારે તત્વો સામે કોઈપણ ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ. પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા અને હિત માટે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે માત્ર છ કલાકમાં થયેલી આ રિકવરીએ વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે, જ્યારે પીડિત પરિવારે પોલીસના આ માનવીય અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
