તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
કેશોદ રેલ્વે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ આપવા પુર્વ તરફ ટીકીટ બારી શરૂ કરવા માંગણી
વેસ્ટર્ન રેલવે તરફથી દશ દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવવામાં ના આવે તો આંદોલન શરૂ કરવાની ચીમકી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૧૧: કેશોદ રેલ્વે સ્ટેશન વેસ્ટર્ન રેલ્વે ના ભાવનગર ડિવિઝન હેઠળ સૌથી વધારે મુસાફરો ની આવજા અને આવકની દ્રષ્ટિએ સૌથી વધારે ધરાવતું હોવા છતાં સુવિધાઓ આપવામાં પક્ષપાત રાખવામાં આવે છે. કેશોદ રેલ્વે સ્ટેશન તાજેતરમાં રૂપિયા ૨૪.૪૩ કરોડ ના ખર્ચે આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેના કારણે પ્લેટફોર્મ ની લંબાઈ વધી જવાની સાથે હાઈ લેવલ પ્લેટફોર્મ બની જવાની સાથે ઈલેકટ્રીક લાઈન પણ ઉભી કરી વપરાશ શરૂ થઈ ગયેલ છે ત્યારે લાંબા અંતરની ટ્રેનો કેશોદ રેલ્વે સ્ટેશન પરથી પસાર થાય છે પણ સ્ટોપેજ આપવામાં ના આવતાં મુસાફરો ને સીધી ટ્રેનની સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડયા એ લેખિતમાં વેસ્ટર્ન રેલ્વે ના ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરી કેશોદ રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો જેમાં ટ્રેન નંબર ૦૯૨૦૩/૦૯૨૦૪ - વેરાવળ-હરિદ્વાર-વેરાવળ વિશેષ ટ્રેન, ટ્રેન નંબર ૧૨૯૪૫/૧૨૯૪૬ - વેરાવળ-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નંબર ૧૯૩૧૯/૧૯૩૨૦ - વેરાવળ-ઇન્દોર એક્સપ્રેસ, ટ્રેન નંબર ૧૧૪૬૪/૧૧૬૬૬- વંદેભારત એકસપ્રેસ સોમનાથ અમદાવાદ, ટ્રેન નંબર ૧૯૨૦૩/૧૯૨૦૪ વેરાવળ- મુંબઈ વાયા ઢસા બોટાદ વિકલી ટ્રેનો ને કેશોદ સ્ટોપ આપવા ઉપરાંત કેશોદ શહેર મધ્યમાં થી પસાર થતી બ્રોડગેજ લાઈન ને કારણે બે ભાગમાં વહેંચાઈ ગયેલ હોય પુર્વ તરફ પ્લેટફોર્મ નંબર-૩ પાસે બુકિગ વિન્ડો શરૂ કરવામાં આવે તો પુર્વ તરફ ના શહેરીજનો તથા પુર્વ તરફના ગ્રામીણ વિસ્તારના મુસાફરો ને સુગમતા મળી રહે અને સમયની બચત થાય. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડયા દ્વારા પ્લેટફોર્મ નંબર ૧-૨ ના આગળના તથા પાછળના ભાગમાં આવતાં અનરીઝર્વડ લોકલ ડબ્બા પાસે મુસાફરો ને બેસવા સીમેન્ટ ના બાંકડા મુકવા રજુઆત કરી છે. વેસ્ટર્ન રેલ્વે વિભાગ દ્વારા દશ દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે નહિ તો કેશોદ, માંગરોળ અને મેંદરડા શહેરની સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ નો સાથ સહકાર મેળવી પ્રતીક ઉપવાસ, ભુખ હડતાળ અને જરૂર પડયે રેલ રોકો આંદોલન શરૂ કરવાની ચીમકી કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડયા દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ રેલ્વે સ્ટેશન પર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ટ્રેન ના સ્ટોપેજ અપાવવામાં કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા રજુઆત આંદોલન કરી મુસાફરો ની સુવિધાઓમાં વધારો કરેલ છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
