<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

કર્ણાટકની ૧૧.૪૮ લાખની ચોરીનો આરોપી ભચાઉથી ઝડપાયો: જૈન મંદિરોને નિશાન બનાવતી રાજસ્થાનની ગરાસિયા ગેંગનો સભ્ય

કર્ણાટકના હુબલીના જૈન મંદિરની ચોરીનો ભેદ ભચાઉ પોલીસે ઉકેલ્યો, આરોપી બંધડી ગામે ચામુંડા મંદિરનું કોતરણી કામ કરતો હતો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ : જૈન મંદિરોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપતી રાજસ્થાનની કુખ્યાત આંતરરાજ્ય ગરાસિયા ગેંગ સામે ભચાઉ પોલીસે મોટી સફળતા મેળવી છે. કર્ણાટકના હુબલ્લી ખાતે આવેલા શ્રી આદિનાથ જૈન મંદિરમાં થયેલી લાખોની ચોરીના ગુનામાં સંડોવાયેલા ગરાસિયા ગેંગના ૨૧ વર્ષીય સભ્ય રવિકુમાર ચેતારામ ગરાસિયાને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના માલનુ તાલુકાના માલદર ગામના ગરાસીયાવાસનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ, ગત ૪ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ કર્ણાટકના હુબલી(હોસગબ્બર) ખાતે જિનકુશલ દાદાવાડી ટ્રસ્ટ સંચાલિત શ્રી આદિનાથ જૈન મંદિરમાં વહેલી સવારે બુકાનીધારી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ લોખંડના સળિયાથી મંદિરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી આશરે રૂ. ૭.૩૦ લાખની કિંમતની બે કિલો ચાંદીની વસ્તુઓ તથા ૪.૨૦ લાખ રોકડ મળી કુલ રૂ.૧૧.૪૮ લાખનો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ મામલે હુબલીના બેન્ડીગેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મંદિર તથા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતાં ત્રણ બુકાનીધારી શખ્સોની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી. આ ચોરીના ગુનાની તપાસ દરમિયાન ભચાઉ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ગરાસિયા ગેંગનો એક શખ્સ ભચાઉ તાલુકાના બંધડી ગામે રોકાયેલો છે. આરોપી ત્યાં ચામુંડા માતાજીના મંદિરમાં કોતરણીકામ કરતો હતો અને નજીક આવેલા શિવ મંદિરની ઓરડીમાં રહેતો હતો. બાતમીના આધારે ભચાઉ પોલીસની ટીમે કાર્યવાહી કરી રવિકુમાર ચેતારામ ગરાસિયાને ઝડપી પાડ્યો હતો.

ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન આ સફળ કામગીરી કરી હતી. આરોપીની ધરપકડ બાદ તેને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે કર્ણાટકની બેન્ડીગેરી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જૈન મંદિરોને નિશાન બનાવતી ગેંગ પર પોલીસની નજર

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની ગરાસિયા ગેંગ અગાઉ પણ કચ્છ સહિત અન્ય રાજ્યોમાં જૈન મંદિરોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે. ભચાઉના નમસ્કાર જૈન તીર્થમાં અગાઉ થયેલી ચોરીના બનાવમાં પણ આ ગેંગના સાગરીતો ઝડપાયા હતા. વારંવાર જૈન મંદિરોમાં ચોરીની ઘટનાઓમાં આ ગેંગનું નામ સામે આવતાં પોલીસ તંત્ર માટે પણ આ ગેંગ તપાસનો મહત્વનો વિષય બની છે. હુબલી મંદિર ચોરી પ્રકરણમાં ભચાઉમાંથી આરોપી ઝડપાતાં આંતરરાજ્ય ગરાસિયા ગેંગની અન્ય સંભવિત ગુનાહિત કડીઓ પણ બહાર આવે તેવી શક્યતા છે.

(9:50 AM IST)