News of Monday, 2nd November 2026
ગોંડલ યાર્ડમાં ‘કળદા' વિવાદે પકડ્યું જોરઃ ‘આપ'નો ૧૯૬૩ના એક્ટના ભંગનો આક્ષેપ
સત્તાધીશોનો પલટવાર : ‘વરસાદી જીવડાં રાજકારણ ન કરે, ચૂંટણી લડી લે' ખેડુતોની પીડા એકબાજુ ધકેલાઇ : ભાજપ અને આપ દ્વારા ખેડુતોનાં નામે શરુ કરાયું રાજકારણ : સત્તાધીશોને રજૂઆત કરવા છતાં ગોળ-ગોળ જવાબો અપાય છેઃ આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન જિગીષા પટેલ : ચૂંટણી નજીક આવતા જેમ વરસાદમાં પાંખોવાળા જીવડાં બહાર આવે તેમ અમુક લોકો પ્રશ્નો કરવા આવી ગયા છે : યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી થતી કથિત ગેરકાયદે કપાત (કળદા) મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) અને યાર્ડના સત્તાધીશો આમનેસામને આવી ગયા છે. ખેડુતોની પીડા ભુલીને પક્ષીય અને ચૂંટણીલક્ષી રાજકારણ શરુ થયુ છે. જેને લઇ ને યાર્ડની આગામી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
દરમિયાન બુધવાર થી કપાત નાં મુદ્દે બંધ રખાયેલી મરચાની હરરાજી આજે પણ બંધ રહી છે.
AAPએ ખેડૂતોને આર્થિક ફટકો પડતો હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો છે, જ્યારે યાર્ડના હોદ્દેદારે AAP ને વરસાદી જીવડાંઁ ગણાવી ચુંટણી લડી લેવા ખુલ્લો પડકાર ફેંકયો છે.
હરરાજી માં મરચાનાં બારદાન નાં પાંચસો કપાત નાં મુદે ખેડુતો અને વેપારીઓ વચ્ચે ગત બુધવારે વિવાદ સર્જાયો હતો.જેનો કોઇ ઉકેલ નહી આવતાં શની, રવિ ની રજા બાદ યાર્ડ નું કામકાજ શરુ થતા આજે ફરીવાર ખેડૂતોએ મરચાની હરરાજી અટકાવી હતી.
દરમિયાન ખેડૂતોની
વહારે દોડી આવેલા
આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન જિગીષા પટેલ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ખેડૂતો જ્યારે મરચાં વેચવા આવે ત્યારે રૂ. ૬૦ થી ૧૨૦નો ખર્ચ કરી કંતાન (કોથળો) લાવે છે. પરંતુ વેપારીઓ વજનમાંથી ૫૦૦ ગ્રામનો કળદો કાપી લે છે અને કંતાન પણ લઈ જાય છે. આ ઉપરાંત, કપાસમાં પણ પ્રતિ ગાસડી રૂ. ૧૦ થી ૨૦ની અયોગ્ય કપાત કરવામાં આવે છે. ૧૯૬૩ના એપીએમસી એક્ટની કલમ ૩૫ મુજબ આવી કપાત ગેરકાયદેસર છે. તેમણે આક્ષેપ કર્યો કે સત્તાધીશોને રજૂઆત કરવા છતાં ગોળ-ગોળ જવાબો અપાય છે અને અવાજ ઉઠાવનાર ખેડૂતોને ઓફિસોમાં લઈ જઈ ધમકાવવામાં આવે છે. અમરેલી યાર્ડમાં આવો કોઈ કળદો કપાતો નથી તો ગોંડલ, રાજકોટ, જેતપુર અને હાપા યાર્ડમાં ખેડૂતોને શા માટે લૂંટવામાં આવે છે? તેવો સવાલ ઉઠાવી આ પ્રથા બંધ કરવા ઉગ્ર માંગ કરાઈ છે.
બીજી બાજુ AAP ના હોબાળા સામે યાર્ડના ચેરમેન અલ્પેશ ભાઈ ઢોલરીયા એ આકરો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ૅચૂંટણી નજીક આવતા જેમ વરસાદમાં પાંખોવાળા જીવડાં બહાર આવે તેમ અમુક લોકો પ્રશ્નો કરવા આવી ગયા છે.ૅ તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંસ્થા ખેડૂતોની છે, કોઈ રાજકારણનો અડ્ડો નથી. જો વ્યવસ્થા સામે વાંધો હોય તો આગામી ચૂંટણી લોકશાહી ઢબે લડી લેવા તેમણે પડકાર ફેંકયો હતો. તેમણે ઉમેર્યું કે અહીં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે, ગત વખતે વિપક્ષને ૫્રુ થી ઓછા મત મળ્યા હતા જ્યારે વર્તમાન પેનલ ૯૫ ટકા મતોની બહુમતીથી જીતી હતી.
ખેડૂતોને સૌથી ઊંચા
ભાવ મળે છે
યાર્ડની કામગીરીનો બચાવ કરતા ઢોલરીયાએ જણાવ્યું કે, ગોંડલ યાર્ડમાં દેશ-વિદેશના વેપારીઓ આવતા હોવાથી ખેડૂતોને પૂરતો ભાવ મળે છે. ખેડૂતો ૮૦ કિલોમીટર દૂરથી ગોંડલ યાર્ડમાં માલ વેચવા આવે છે કારણ કે અહીં ૨૦ કિલોએ રૂ. ૩૦૦ થી ૪૦૦ વધુ ભાવ મળે છે. આગામી સમયમાં ૪ દેશોના પ્રતિનિધિઓ ગોંડલ યાર્ડની મુલાકાતે આવવાના છે, જેથી ખેડૂતોનો માલ સીધો વિદેશ જશે અને તેમને આર્થિક ફાયદો થશે.
મરચા ની હરરાજી માં કપાત અંગે યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ રાજકારણ રમીને હરાજીની વ્યવસ્થા ન ખોરવવા ચીમકી પણ ઉચ્ચારી હતી.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
