<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

કચ્‍છના ઓફ સ્‍પિનર અર્થ યાદવનું સૌરાષ્‍ટ્ર રણજી ટીમમાં શાનદાર ડેબ્‍યૂઃ રવિન્‍દ્ર જાડેજાના હસ્‍તે મળી કેપ

રણજી ટ્રોફીની પ્‍લેઇંગ-ઇલેવનમાં સ્‍થાન મળ્‍યું, રાજકોટમાં રમાઇ રહેલ છત્તીસગઢ સામેની ફર્સ્‍ટ-ક્‍લાસ ક્રિકેટ મેચમાં પદાર્પણ સાથે કચ્‍છનું ગૌરવ વધાર્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૨: કચ્‍છના ક્રિકેટ જગત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. કચ્‍છના પ્રતિભાશાળી ઓફ-સ્‍પિનર અર્થ યાદવને સૌરાષ્‍ટ્રની રણજી ટીમમાં સ્‍થાન મળ્‍યું છે અને રણજી ટ્રોફી ૨૦૨૬-૨૭ની પ્રથમ જ મેચમાં તેમને પ્‍લેઇંગ-ઇલેવનમાં સામેલ કરી ફર્સ્‍ટ-ક્‍લાસ ક્રિકેટમાં ડેબ્‍યૂ કરાવવામાં આવ્‍યું છે. સૌરાષ્‍ટ્ર અને છત્તીસગઢ વચ્‍ચેની રણજી ટ્રોફીની ચાર દિવસીય મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે ૧૧થી ૧૪ ઓક્‍ટોબર દરમિયાન રમાઈ રહી છે. આ મેચમાં અર્થ યાદવ સૌરાષ્‍ટ્ર તરફથી રમી રહ્યા છે. અર્થ યાદવ માટે ડેબ્‍યૂની આ ક્ષણ વધુ ખાસ બની હતી, કારણ કે મેચ પહેલાં તેમને ભારતીય ક્રિકેટના દિગ્‍ગજ ઓલરાઉન્‍ડર રવિન્‍દ્ર જાડેજાના હસ્‍તે રણજી ડેબ્‍યૂ કેપ એનાયત કરવામાં આવી હતી. કચ્‍છના એક યુવા ક્રિકેટર માટે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં નામના મેળવી ચૂકેલા પોતાના જ પ્રદેશના દિગ્‍ગજ ખેલાડીના હસ્‍તે કેપ મેળવવી યાદગાર સિદ્ધિ બની છે. આ મેચમાં અર્થ યાદવને સૌરાષ્‍ટ્રના અનુભવી ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની તક મળી છે. ટીમનું નેતળત્‍વ અનુભવી ફાસ્‍ટ બોલર જયદેવ ઉનડકટ કરી રહ્યા છે, જ્‍યારે ચેતેશ્વર પુજારા અને રવિન્‍દ્ર જાડેજા જેવા દિગ્‍ગજ ખેલાડીઓની હાજરીમાં રમવાનો અનુભવ અર્થ માટે કારકિર્દીમાં મહત્‍વપૂર્ણ સાબિત થશે. આ મેચમાં છત્તીસગઢે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. સૌરાષ્‍ટ્રની ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરી રહી છે. અર્થ યાદવ અગાઉ સૌરાષ્‍ટ્ર પ્રીમિયર લીગ ( SPL)માં ‘જેએમડી કચ્‍છ રાઇડર્સ' તરફથી નોંધપાત્ર પ્રદર્શન કરી પોતાની પ્રતિભાની છાપ છોડી ચૂકયા છે. સ્‍થાનિક ક્રિકેટમાંથી આગળ વધીને હવે સૌરાષ્‍ટ્રની રણજી ટીમમાં સ્‍થાન મેળવી ફર્સ્‍ટ-ક્‍લાસ ક્રિકેટમાં પદાર્પણ કરતાં કચ્‍છના ક્રિકેટપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે

(11:39 AM IST)