તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
કબડ્ડીના ખેલાડી સભાઈબેનની સફળતા કચ્છ માટે ગૌરવ: અન્ય દીકરીઓ પ્રેરણા મેળવી પોતાનાં સપનાં સાકાર કરવા આગળ આવે તેવી આશા : રક્ષિત શાહ
કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા ટીમમાં એક માત્ર ગુજરાતના ખેલાડી સભાઈબેન ગઢવીનું અદાણી હાઉસમા સન્માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : કચ્છના નાના એવા મોટા ભાડિયા ગામની દીકરી સભાઈબેન વાંછિયાભાઈ ગઢવીએ વર્ષ ૨૦૨૬માં અમદાવાદ ખાતે યોજાયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમના સદસ્ય તરીકે ગોલ્ડ મેડલ જીતવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સ્પર્ધામાં બેસ્ટ ડિફેન્ડર તરીકે પસંદગી પામવાની વિશેષ સિદ્ધિ પણ તેમણે હાંસલ કરી. તેમની આ આંતરરાષ્ટ્રીય સફળતાને બિરદાવવા અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ દ્વારા અદાણી હાઉસ ખાતે સભાઈબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. અદાણી હાઉસ મુન્દ્રા ખાતે યોજાયેલા સન્માન પ્રસંગે સભાઈબેનના પિતા વાંછિયાભાઈ ગઢવી, દાદા મુરજીભાઈ ગઢવી, તેમના ભાઈઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સભાઈબેનની રમતગમતની સફર, તેમણે કરેલા સંઘર્ષ અને તેમની સફળતામાં પરિવારના સહયોગ અંગે લાગણીસભર ચર્ચા કરવામાં આવી હતી.
અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે સભાઈબેનની સિદ્ધિને બિરદાવતાં જણાવ્યું હતું કે, પોતાની મહેનત અને પ્રતિભાના બળે સભાઈબેને કચ્છનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે, એ કચ્છ માટે ગૌરવની બાબત છે. સમાજની અન્ય દીકરીઓ પણ સભાઈબેનની સફળતામાંથી પ્રેરણા મેળવી પોતાનાં સપનાં સાકાર કરવા આત્મવિશ્વાસ સાથે આગળ વધે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સાથે જ સભાઈબેનને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે ભવિષ્યમાં પણ દરેક રીતે મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી.
સભાઈબેનની આ સિદ્ધિ પાછળ તેમના પિતા વાંછિયાભાઈ ગઢવીનો સહયોગ પણ પ્રેરણારૂપ રહ્યો છે.
પોતાના અનુભવ અને સફળતાના આધારે અન્ય દીકરીઓને સંદેશ આપતાં સભાઈબેને જણાવ્યું હતું કે, “બધી જ છોકરીઓએ મહેનત કરવી જોઈએ. પરિણામ જે આવે તેનાથી હાર માનવી જોઈએ નહીં. સતત પ્રયત્ન અને મહેનત ક્યારેય નિષ્ફળ જતાં નથી, મહેનત રંગ લાવશે જ.”
સભાઈબેન ગઢવીની આ સફળતા માત્ર એક ખેલાડીની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ કચ્છની દીકરીઓ માટે પ્રેરણાનો નવો અધ્યાય છે. યોગ્ય માર્ગદર્શન, પરિવારનો વિશ્વાસ અને આગળ વધવાની તક મળે તો ગામડાંની દીકરીઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભાનો પરચો આપી શકે છે, તે સભાઈબેને સાબિત કરી બતાવ્યું છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
