<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ભાવનગરના બસ સ્ટેન્ડે રક્તરંજિત બનેલી કાજલની ચીસને મળ્યો ન્યાય : હત્યા કરનાર ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

ધોળા દિવસે સીસીટીવીમાં કેદ થયેલી ક્રૂરતાનો કોર્ટમાં થયો પર્દાફાશ : સાક્ષીને ડરાવવા અપહરણ સુધીના કાવતરા છતાં સત્યનો થયો વિજય : ન્યાયતંત્રનો કડક સંદેશ : મહિલા પર હિંસા ક્યારેય સહન નહીં થાય

ભાવનગર તા. ૦૫ : ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ધોળા દિવસે લિવ-ઈન પાર્ટનર કાજલ બારૈયાની નિર્મમ હત્યા કરનાર આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ ની સજા ફટકારી છે. આ ચુકાદાથી સમગ્ર ભાવનગરમાં ન્યાયની લાગણી પ્રસરી ગઈ છે.

ગત તા. ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આ હૃદયદ્રાવક ઘટના બની હતી. કાજલબેન બારૈયા અને ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણી લગભગ ૭ વર્ષથી લિવ-ઈનમાં રહેતા હતા અને બસ સ્ટેન્ડ આસપાસ ફૂટપાથ પર રહેતા હતા.

પોલીસ તપાસ મુજબ, જેલમાંથી છૂટ્યા બાદ ફૈઝલને કાજલબેનના તેના જ પરિચિત રવિ સાથેના સંબંધની શંકા ગઈ હતી. તા. ૩ સપ્ટેમ્બરે બપોરે ૩ થી ૪ વાગ્યાના અરસામાં બસ સ્ટેન્ડ ખાતે ફૈઝલે કાજલબેન અને રવિ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ફૈઝલે કાજલબેનને જમીન પર પછાડીને વારંવાર મુક્કા અને લાતો મારી હતી, કિડની સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર ક્રૂર હુમલો બસ સ્ટેન્ડના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

ગંભીર રીતે ઘાયલ કાજલબેનને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા. ૪ સપ્ટેમ્બરે તેમનું મોત નિપજ્યું હતું. કાજલબેનની માતાની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફૈઝલની ધરપકડ કરી હતી.

 

 

કેસ નબળો પાડવા સાક્ષીનું અપહરણ સુધીનું કાવતરું

 

 

આ કેસમાં કોર્ટમાં જુબાની આપતા રોકવા માટે આરોપીના પરિવારે કાવતરું પણ રચ્યું હતું. કાજલબેનના માનેલા ભાઈ અને મુખ્ય સાક્ષી રવિભાઈ ઉર્ફે બાડો રાજેન્દ્રભાઈ ગોહેલનું ગત તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ અપહરણ કરીને તેમને ત્રણ દિવસ સુધી વરતેજ ખાતે ગોંધી રાખવામાં આવ્યા હતા. જેલમાંથી ફૈઝલે પણ ફોન પર ધમકી આપીને કોર્ટમાં ખોટી જુબાની આપવા દબાણ કર્યું હોવાનો આરોપ છે. આ અંગે નિલમબાગ પોલીસ મથકે અલગ ગુનો પણ નોંધાયો છે.

તમામ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈને કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે.

ફૈઝલ વિરુદ્ધ અગાઉ પણ લૂંટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આ ચુકાદો એ સ્પષ્ટ સંદેશ આપે છે કે મહિલાઓ વિરુદ્ધની હિંસા કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

(4:20 PM IST)