<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના રાસ-ગરબાથી ગુંજી ઊઠ્યું જૂનાગઢનું વાઘેશ્વરી માતાનું મંદિર : કાર્યક્રમનું વિશેષ આકર્ષણ મુસ્લિમ દીકરી રાહુમા રૂબીના દ્વારા માતાજીની સન્મુખ રજૂ કરાયેલી કૃતિ

નવરાત્રીના પાવન પર્વના આગમનને વધાવવા જૂનાગઢના વાઘેશ્વરી માતાના મંદિરે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ‘વેલકમ નવરાત્રી’ કાર્યક્રમમાં ભક્તિ, શક્તિ અને સામાજિક એકતાનો ત્રિવેણી સંગમ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૦ :  નવરાત્રીના પાવન પર્વના આગમનને વધાવવા જૂનાગઢના વાઘેશ્વરી માતાના મંદિર ખાતે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ‘વેલકમ નવરાત્રી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

વાઘેશ્વરી માતાના સાનિધ્યમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. દીકરીઓના તાલબદ્ધ પગલાં અને ચહેરા પર છલકાતા આનંદે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આંખોની દૃષ્ટિ મર્યાદિત હોવા છતાં આ દીકરીઓએ સાબિત કર્યું કે સાચી શક્તિ આંખોમાં નહીં પરંતુ આત્મવિશ્વાસ અને હૃદયની લાગણીમાં વસે છે.

 

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ મુસ્લિમ દીકરી રાહુમા રૂબીના દ્વારા માતાજીની સન્મુખ રજૂ કરાયેલી કૃતિ રહી હતી, જેણે ધાર્મિક સૌહાર્દ અને સર્વધર્મ સમભાવનો સુંદર સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત રેખાબેન બોખાણી, આશાબેન ચાવડા અને વિજયાબેન લોઢિયાના માર્ગદર્શનમાં રજૂ થયેલા બેઠા ગરબાએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

 

આ પ્રસંગે વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા, ધવલભાઈ રાજપરા સહિત વિજયાબેન લોઢિયા, પુષ્પાબેન પરમાર, સુશીલાબેન શાહ, ભાનુબેન લોઢિયા, સરોજબેન ઠાકર, દયાબેન માણેક, સંતોષબેન મુદ્રા, શાંતાબેન બેસ, બટુક બાપુ, ઉષાબેન વાજા, સરોજબેન જોશી, ઉપેનભાઈ દવે, નાગભાઈ વાળા, ભીખુભાઈ પૂજારી અને અમુભાઈ આહીયા સહિતના સામાજિક-ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી.

 

કાર્યક્રમને સફળ બનાવવા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી, મનોજભાઈ સાવલિયા અને દીપકભાઈ ભટ્ટીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.(તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:57 PM IST)