<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

જૂનાગઢના રસ્તાઓ પર સિંહોનું સામ્રાજ્ય: ૧૪ સિંહોની લટારનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે કુતૂહલ

બિલખા રોડ પર સિંહ પરિવારની રાત્રિ સહેલગાહ કેમેરામાં કેદ: વન્યજીવોના વધતા અવરજવર વચ્ચે ગ્રામજનોમાં ભય અને આશ્ચર્ય.

જુનાગઢ:જૂનાગઢના બિલખા રોડ પર ગત મોડી રાત્રે પ્રકૃતિનો એક અદભૂત અને ભયાવહ નજારો જોવા મળ્યો હતો, જ્યાં ૧૪ સિંહોનો એક આખો પરિવાર રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો. સિંહ, સિંહણ અને દસ સિંહબાળોની આ શાહી સવારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. ગ્રોફેડ નજીક સતત બીજા દિવસે જોવા મળેલા આ સિંહ પરિવારના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટની સાથે કુતૂહલ પણ જોવા મળ્યું હતું.

સિંહોના માનવી પર હુમલાની તાજેતરની બે ઘટનાઓને જોતા, નિષ્ણાતો આ સમયગાળાને અત્યંત સંવેદનશીલ માને છે. મોડી રાત અને વહેલી સવારનો સમય સિંહોના શિકાર માટેનો હોવાથી, આ સમયે હુમલાનું જોખમ વધી જાય છે. જાણકારોનું કહેવું છે કે, જો કોઈ સિંહ માનવભક્ષી બની જાય અથવા મનુષ્ય પર હુમલો કરે, તો વનવિભાગ દ્વારા તેને ટ્રેપ કરી એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે, જ્યાંથી તેને ફરી ક્યારેય ખુલ્લા જંગલમાં છોડવામાં આવતો નથી.

સિંહોની વધતી સંખ્યા અને તેમના કુદરતી રહેઠાણની મર્યાદાઓને કારણે હવે તેઓ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા સ્થાનિકોને રાત્રિના સમયે અવરજવર કરતી વખતે સાવચેતી રાખવા અને સિંહોને કોઈપણ રીતે ન છંછેડવા માટે સૂચના આપવામાં આવી છે. લોકોની સુરક્ષા અને સિંહોના સંરક્ષણ વચ્ચેના સંતુલનને જાળવવા માટે વનવિભાગ દ્વારા હવે પેટ્રોલિંગ વધારવાની અને ખાસ વોચ રાખવાની કવાયત હાથ ધરવામાં આવશે.

(3:48 PM IST)