તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં મૂર્તિ બદલાતા નવો વિવાદ સર્જાયો; ₹85 લાખના મંજૂર બજેટ સામે ટેન્ડરમાં મેટલની જગ્યાએ માર્બલની મૂર્તિ મુકાતા ભ્રષ્ટાચારના આક્ષેપ, મનપાની કામગીરી સામે સવાલો
નરસિંહ મહેતા સરોવરની વચ્ચે ઠરાવ મુજબ મેટલની ભવ્ય મૂર્તિ મુકવાની હતી પરંતુ સ્થાપન સમયે માર્બલની મૂર્તિ જોવા મળતા વિવાદ: મેટલની સરખામણીએ માર્બલ સસ્તું હોવા છતાં 85 લાખનો ખર્ચ કેવી રીતે થયો તે મુદ્દે નાગરિકોમાં રોષ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને 60 કરોડથી વધારાનો ખર્ચ ના મંજૂર કર્યો હોવા છતાં પ્રોજેક્ટનો ખર્ચ વધ્યો

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં મૂર્તિને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. સરોવરની વચ્ચે નરસિંહ મહેતાની ભવ્ય મૂર્તિ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. જે તે સમયે કરવામાં આવેલા ઠરાવ મુજબ આ મૂર્તિ મેટલ (ધાતુ)ની બનાવવાની હતી અને તેના માટે અંદાજે 85 લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી.
જોકે જ્યારે મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે તે મેટલના બદલે માર્બલ (આરસ)ની જોવા મળી હતી. સામાન્ય રીતે મેટલની સરખામણીએ માર્બલની કિંમત ઘણી ઓછી હોય છે. આથી પ્રશ્ન એ ઊભો થાય છે કે જો મૂર્તિ માર્બલની જ બનાવવાની હતી તો 85 લાખનો જંગી ખર્ચ કેવી રીતે દેખાડવામાં આવ્યો? ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને પ્રજાના પૈસાનો વેડફાટ થયો હોવાની શંકા દ્રઢ બની રહી છે.
આ સરોવર 60 કરોડના ખર્ચે બનવાનું હતું. તેમાં પાર્કિંગ અને રીંગરોડનો સમાવેશ થતો હતો. પરંતુ આ બંનેની મંજૂરી ન મળતા અધિકારીઓએ ઘણા બધા વધારાના ખર્ચા ગણાવ્યા હતા. ગત ભાજપની બોડીના સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ બે વખત ઠરાવ કર્યો હતો કે 60 કરોડથી વધારાનો એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. જોકે ત્યારે 60 કરોડથી વધારાનો ખર્ચ થઈ ગયો છે.
28 જાન્યુઆરી 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 68 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોએ માંગ કરી છે કે મૂર્તિના મટીરિયલ અને ખર્ચ અંગે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાય.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
