News of Tuesday, 15th September 2026
જૂનાગઢની દીકરી મીરા વૈષ્ણવને જામનગર ખાતે ‘શ્રી રામાનંદી સાધુ સમાજ ગૌરવ પુરસ્કાર–૨૦૨૬’ એનાયત
શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારીયાના હસ્તે કરાયું સન્માન : રામાનંદી સાધુ સમાજનું નામ રોશન કરતી ગણિત-વિજ્ઞાન શિક્ષિકા

જામનગર:શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે અનોખી અને નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરીને સમગ્ર સમાજનું ગૌરવ વધારનાર જૂનાગઢ જિલ્લાના મીરા સતિષભાઈ વૈષ્ણવને ‘શ્રી રામાનંદી સાધુ સમાજ ગૌરવ પુરસ્કાર–૨૦૨૬’ થી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર સ્થિત ટાઉનહોલ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણજારીયાના વરદ હસ્તે આ ગૌરવવંતો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
માધ્યમિક શાળામાં ગણિત-વિજ્ઞાન શિક્ષિકા તરીકે બજાવતા મીરા વૈષ્ણવે પોતાની નવીન શૈક્ષણિક પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો રસ વધાર્યો છે તથા વિજ્ઞાન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવ્યો છે. દેશની સર્વોચ્ચ સ્પેશ એજન્સી ISRO સુધી પહોંચવાની વિશિષ્ટ સિદ્ધિ ઉપરાંત રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના અનેક સન્માનો તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓની સાક્ષી પૂરે છે.
આ પ્રસંગે શ્રી જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી સર્વેશ્વરાચાર્યજી મહારાજના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થતાં ગૌરવની ક્ષણો વધુ અવિસ્મરણીય બની હતી. મીરા વૈષ્ણવની આ અદ્ભુત સફળતા તેમના માતા-પિતાના સંસ્કાર, પરિવારનો સતત સહયોગ અને દીકરીની અથાક મહેનત, પ્રતિભા તથા દ્રઢ સંકલ્પનું જ પરિણામ છે. તેમની આ સિદ્ધિથી તેમણે પોતાના પરિવાર અને સમગ્ર રામાનંદી સાધુ સમાજનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.
સન્માન મેળવ્યા બાદ મીરા વૈષ્ણવે સમગ્ર રામાનંદી સાધુ સમાજ, ઉપસ્થિત પૂજ્ય સંતો-મહંતો, સમાજના અગ્રણીઓ તથા સમારોહના આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે વિશેષ રૂપે નારણભાઈ રામાવત અને પ્રિન્સ રામાવતનો આભાર માન્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
