તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાની શુભેચ્છા મુલાકાતે મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત પૂ.સુખરામદાસબાપુ : આશીર્વાદ આપ્યા
મેંદરડા પાસેના રામજી મંદિરની ધાર્મિક પ્રવૃત્તિઓથી કર્યા માહિતગાર : પીઆઈ વી.જે. સાવજની નિમણૂકથી મેંદરડા પંથકમાં શાંતિ સ્થપાઈ : મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. સુખરામદાસ બાપુ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૯ : જુનાગઢ જીલ્લાના મેંદરડા પાસે આવેલ ખાખી મઢી રામજી મંદિરના મહંત અને મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. સુખરામદાસબાપુએ જૂનાગઢના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પૂ. સુખરામદાસબાપુએ એસપી સુબોધ ઓડેદરાને ભાવપૂર્ણ આશીર્વાદ આપ્યા હતા અને રામજી મંદિરની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા.
મુલાકાત દરમિયાન પૂ. સુખરામદાસબાપુએ જણાવ્યું હતું કે ખાખી મઢી રામજી મંદિરમાં વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સાથે સત્સંગ, ધૂન ભજનો, શ્રીમદ ભાગવત સહિતની વિવિધ ધાર્મિક કથાઓ અને પ્રભાતફેરી જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ નિયમિતપણે યોજાય છે.પૂ.સુખરામદાસબાપુએ એસપી સુબોધ ઓડેદરાને રામજી મંદિરની મુલાકાત લેવા માટે વિશેષ અનુરોધ પણ કર્યો હતો.
વિશેષમાં વાત કરતા પૂ.સુખરામદાસબાપુએ મેંદરડા પોલીસ તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારથી મેંદરડામાં નીડર, બાહોશ અને કર્તવ્ય નિષ્ઠ પીઆઈ વી.જે. સાવજની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી મેંદરડામાં આવારા તત્વો ભોં ભીતર ગયા છે અને મેંદરડા પંથકમાં શાંતિ સ્થપાઈ ગઈ છે. પીઆઈ સાવજની કાર્યશૈલીના કારણે સ્થાનિક લોકોમાં સુરક્ષાની લાગણી વધી છે તેમ બાપુએ ઉમેર્યું હતું.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
