News of Friday, 15th May 2026
જૂનાગઢ રેંજ પોલીસનો માખીયાળા ગામે ભાડે રાખેલા ગોડાઉન પર દરોડો :₹18.85 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
મહમદ જમાલ માલવીયા અને ઇરફાન સીતાર કાળાવતરની અટકાયત :પોલીસે 23,000 કિલો ઘઉં અને 17,000 કિલો ચોખા સહિતનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

જૂનાગઢ રેંજ પોલીસે માખીયાળા ગામે ભાડે રાખેલા ગોડાઉનમાંથી રૂ. 18.85 લાખનો ગેરકાયદેસર સંગ્રેલો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલામાં બે શખ્સ મહમદ જમાલ અને ઇરફાન કાળાવતરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 23,000 કિલો ઘઉં અને 17,000 કિલો ચોખા સહિતનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરતાં ખળભળાટ મચ્યો છે.
મળતી જાણકારી અનુસાર જૂનાગઢ રેંજ પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે માખીયાળા ગામે એક ગોડાઉન પર ઓચિંતી રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતા સસ્તા અનાજનો મોટો જથ્થો અહીં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે આ સ્થળેથી લાખોની કિંમતનો બિનકાયદેસર જથ્થો ઝડપી પાડીને કૌભાંડીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે
આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા બિલખાના ગામના બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે. દબોચાયેલા આરોપીઓમાં મહમદ જમાલ માલવીયા અને ઇરફાન સીતાર કાળાવતરનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ શખ્સોએ માખીયાળા ગામે ખાસ હેતુ માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું, જ્યાં તેઓ સરકારી અનાજનો જથ્થો છુપાવીને તેના કાળાબજાર વેચી રહ્યા હતા.
પોલીસ દરોડા દરમિયાન કુલ 18,85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે ઘઉં અને ચોખાના સરકારી અનાજનો સમાવેશ થાય છે. વિગતવાર જોઈએ તો, 23,000 કિલોગ્રામ ઘઉંની કિંમત અંદાજે 4,60,000 રૂપિયા છે અને 17,000 કિલોગ્રામ ચોખા જેની કિંમત 4,25,000 રૂપિયા થાય છે, તે તમામ જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.
આટલી મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો આ શખ્સો પાસે ક્યાંથી આવ્યો અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સસ્તા અનાજની દુકાનોમાંથી આ જથ્થો ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. રેંજ પોલીસની આ સફળ કામગીરીથી અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
