<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

કાલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી: 16માંથી 6 બેઠકો બિનહરીફ:10 બેઠકો માટે ભાજપ અને 'આપ 'વચ્ચે ટક્કર

10 બેઠકો માટે કુલ 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં:ભાજપ પ્રેરિત 10 ઉમેદવારો અને આમ આદમી પાર્ટી પ્રેરિત 7 ઉમેદવારો વચ્ચે મુકાબલો

 જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ભારે ગરમ થઈ ગયો છે. યાર્ડની સત્તા પર કબજો કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ પોતાની તમામ તાકાત ઝોંકી દીધી છે. આવતીકાલે યોજાનારા મતદાનને લઈને બંને પક્ષો દ્વારા પ્રચારના અંતિમ તબક્કામાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કુલ 16 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ વિભાગોની બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વેપારી વિભાગની 4 બેઠકો અને સહકારી મંડળી વિભાગની 2 બેઠકો મળીને કુલ 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ, મતદાન પૂર્વે જ 6 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની બેઠકો પર તમામનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

હવે મુખ્ય મુકાબલો ખેડૂત વિભાગની 10 બેઠકો પર ખેલાવાનો છે. આ 10 બેઠકો માટે કુલ 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આમને-સામને છે. જેમાં ભાજપ પ્રેરિત 10 ઉમેદવારો અને આમ આદમી પાર્ટી પ્રેરિત 7 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ પોતાનો પરંપરાગત દબદબો જાળવી રાખવા માટે ધૂંઆધાર પ્રચાર કરી રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી યાર્ડમાં પોતાનું ખાતું ખોલાવવા માટે મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઉતરી છે.

ચૂંટણી જીતવા માટે બંને પક્ષના નેતાઓ રાત-દિવસ એક કરીને ગામડે-ગામડે જઈને ખેડૂત આગેવાનો અને મતદારો સાથે બેઠકો યોજી રહ્યા છે. આ ચૂંટણીનો રોમાંચ સોશિયલ મીડિયા પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, જ્યાં બંને પક્ષો વચ્ચે તીખા સામસામા પ્રહારો થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર બોગસ મંડળીઓ બનાવીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. તો બીજી તરફ, ભાજપે પણ પલટવાર કરતાં આમ આદમી પાર્ટી પર નાણાં આપીને ઉમેદવારો ઊભા રાખવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બંને પક્ષો પોતપોતાના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે ખેડૂતોને અપીલ કરી રહ્યા છે અને વિજયનો દાવો કરી રહ્યા છે.

(2:03 PM IST)