<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જૂનાગઢ જિલ્લો પાણી-પાણી : ધોધમાર ૪.૨ ઇંચ વરસાદથી ભેંસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર : તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી ગઈ પોલ

માળિયાહાટીનામાં પોણા ૪ ઇંચ અને માંગરોળમાં ૨.૮ ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ બન્યા બેટ : પરબધામ પાસેનું ડાયવર્ઝન નદીમાં ફેરવાતાં વાહનવ્યવહાર ઠપ્પ : જનજીવન અસ્તવ્યસ્ત

જૂનાગઢ: અસહ્ય ઉકળાટ અને લાંબા પ્રતીક્ષા સમય બાદ આખરે જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે બપોર પછી સમગ્ર પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા સાંબેલાધાર વરસાદે ગણતરીના કલાકોમાં જ જૂનાગઢના તમામ તાલુકાઓને ધમરોળી નાખ્યા હતા. ખાસ કરીને ભેંસાણ અને માળિયાહાટીના પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે અનરાધાર વરસાદ તૂટી પડતાં જળાશયો અને નદીઓમાં નવા નીરની તોફાની આવક થઈ છે.

ભેંસાણ અને માળિયાહાટીનામાં પૂર જેવી સ્થિતિ:

બપોરે ૨:૦૦ વાગ્યા પછી શરૂ થયેલો આ વરસાદી પ્રકોપ સતત ૫ થી ૬ કલાક સુધી આ જ ગતિએ ચાલુ રહ્યો હતો. સરકારી આંકડા મુજબ જિલ્લામાં સૌથી વધુ ભેંસાણ તાલુકામાં ૧૦ Gem મિલીમીટર એટલે કે ૪.૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માળિયાહાટીના પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ૯૭ મિલીમીટર (૩.૮ ઇંચ) જેટલું પાણી વરસાવી દીધું હતું. ભારે વરસાદને કારણે ભેંસાણમાંથી પસાર થતી મુખ્ય ઉબેણ નદી બંને કાંઠે વહેવા લાગી હતી અને તેમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ પૂરના ધસમસતા પ્રવાહમાં પરબધામ નજીક બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન તણાઈ ગયું હતું, જેને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરો કલાકો સુધી અટવાયા હતા.

માંગરોળ અને વિસાવદર પંથક પણ પાણીમાં ગરકાવ:

જિલ્લાના અન્ય વિસ્તારો પર નજર કરીએ તો માંગરોળ તાલુકામાં પણ મેઘરાજાએ આક્રમક મૂડ બતાવ્યો હતો અને ત્યાં ૨.૮ ઇંચ (૭૧ મિલીમીટર) વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ વિસાવદર પંથકમાં પણ ૧.૦૨ ઇંચ (૨૬ મિલીમીટર) જેટલો મધ્યમ વરસાદ પડતાં જગતનો તાત હરખાયો હતો. ગ્રામીણ વિસ્તારોના મોટાભાગના ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા.

જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી આવી સામે:

બીજી તરફ જૂનાગઢ શહેરમાં બપોર પછી ગાજવીજ સાથે તૂટી પડેલા પોણા બે ઇંચ (૪૪ મિલીમીટર) વરસાદે જ સ્થાનિક વહીવટી તંત્રની પોલ ખુલી પાડી દીધી હતી. માત્ર બે કલાકના વરસાદમાં જ શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રાજમાર્ગો સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનચાલકોના મોટરસાયકલ અને કાર બંધ પડી ગયા હતા, જેના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચોમાસાના આ પ્રથમ રાઉન્ડના સામાન્ય વરસાદમાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરી ધોવાઈ જતાં સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:45 PM IST)