<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગિરનાર લીલી પરિક્રમા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની તડામાર તૈયારીઓ: કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

કારતક સુદ અગિયારસથી શરૂ થતી પરિક્રમામાં દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે રસ્તા રિસર્ફેસિંગ, પાણી પુરવઠો અને સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશો અપાયા.

જૂનાગઢ : જૂનાગઢ ખાતે કારતક મહિનામાં યોજાનારી પવિત્ર ગિરનાર લીલી પરિક્રમા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી શરૂ થતી આ પરિક્રમામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી, ભાવિક ભક્તોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોને પરિક્રમા રૂટ પર પીવાના પાણીના પૂરતા પોઈન્ટ્સ ઊભા કરવા તેમજ પાણી પુરવઠો સતત જળવાઈ રહે તેવું સુદૃઢ આયોજન ઘડવા સ્પષ્ટ સૂચના આપી હતી. ચાલુ વર્ષે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જંગલના કઠિન માર્ગો પરથી પસાર થતા યાત્રાળુઓને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની તંગી ન પડે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

મુસાફરી સુગમ બનાવવા માટે મહાનગરપાલિકા, માર્ગ અને મકાન પંચાયત તેમજ સ્ટેટ હસ્તકના પરિક્રમા તરફ જતા તમામ રસ્તાઓનું તાત્કાલિક નિરીક્ષણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ખરાબ કે બિસ્માર રસ્તાઓનું વહેલી તકે સમારકામ અને રિસર્ફેસિંગ પૂર્ણ કરવા માટે સંબંધિત એજન્સીઓને કડક સૂચનાઓ પાઠવવામાં આવી હતી.

 

ગિરનારનું જંગલ એશિયાટીક સિંહો અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનું કુદરતી રહેઠાણ હોવાથી, પરિક્રમા દરમિયાન માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગને ખાસ સતર્ક રહેવા જણાવાયું હતું. રાત્રિ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતી લાઈટિંગ વ્યવસ્થા કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે પણ નિર્દેશ અપાયા હતા.

 

આ ઉપરાંત, ગિરનાર ઇકો સેન્સેટિવ ઝોન મોનીટરીંગ કમિટીની પણ બેઠક યોજવામાં આવી હતી. વનવિભાગના અધિકારીઓ તેમજ સમિતિના સભ્યોની હાજરીમાં ગિરનાર ઇકો સેન્સેટીવ ઝોનમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે આવેલી અરજીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી, જેથી પર્યાવરણની જાળવણી સાથે પરિક્રમાનું આયોજન થઈ શકે.

 

લીલી પરિક્રમા નિર્વિઘ્ને અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી નક્કર એક્શન પ્લાન બનાવવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં યાત્રાળુઓની સુવિધા માટે વધુ આયોજનબદ્ધ પગલાં લેવામાં આવશે.

(9:04 PM IST)