તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Friday, 5th June 2026
રાજયસભાના ઉમેદવાર તરીકે ખંભાળીયાના જીતેન્દ્ર કણઝારીયાની પસંદગીઃ પિતાનો રાજકીય વારસો
ખંભાળીયામાં ફટાકડા ફોડયાઃ મિઠાઇનું વિતરણઃ નરેન્દ્રભાઇ મોદીની ધારાસભ્યના પરિવાર પ્રત્યે સહાનુભુતી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. પઃ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં બીજેપીના રાજ્ય સભાના સાંસદ માટે ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારો પૈકી ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલાર પંથકમાં વ્યાપક આવકાર સાંપડયા છે.
ખંભાળિયા શહેરના રામનગર વિસ્તારના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર મેઘજીભાઈ કણજારીયા કે જેઓ વર્ષ ૨૦૦૭ માં વિધાનસભાની ચૂંટણીમાં સામા પવને વિજેતા બની અને ધારાસભ્ય થયા હતા. તેમણે આ વિસ્તારના અનેક પ્રશ્નોના નિરાકરણ તથા વિકાસ કાર્યો માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ પછી તેઓ નર્મદા નિગમના પણ ચેરમેન બની મહત્વની એવી કામગીરી કરી હતી. તેઓ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી, જામનગર જિલ્લા ભાજપ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂકયા હતા.
વર્ષ ૨૦૨૧ માં તેઓ કોરોનાના કારણે અવસાન પામ્યા બાદ વર્ષ ૨૦૨૧ માં યોજાયેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્વ.. મેઘજીભાઈ કણજારીયાના પુત્ર જીતેન્દ્રભાઈ કણજારીયાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ નોંધપાત્ર મતથી વિજેતા બન્યા હતા. આ પછી જીતેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જીતુભાઈ કણજારીયા મીતભાસી અને સરળ સ્વભાવના કાર્યકર છે.
આગામી રાજયસભાના સાંસદોની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચાર નામોની ગુજરાત માટે જાહેરાત થઇ જેમાં ખંભાળીયાના વતની સતવારા યુવા આગેવાની જીતેન્દ્ર મેઘજીભાઇ કણઝરીયાની પસંદગી થતાં ખંભાળીયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આનંદની લાગણી ફેલાઇ હતી.
ખંભાળીયામાં રામનગરમાં રહેતા સતવારા આગેવાન સ્વ. મેઘજીભાઇ કણઝારીયા કે જેઓ જીતેન્દ્રના પિતા હતા તેઓ જનસંઘ સમયના ભાજપના કાર્યકર હતા તથા તાલુકા પંચાયતના સભ્ય, તા. પં. ખંભાળીયાના પ્રમુખ હતા તથા ર૦૦૭ ની ચૂંટણીમાં અગાઉ જિલ્લા પંચાયતની સદસ્ય ની ચૂંટણી હારી ગયેલા આ ભાજપના અગ્રણીઓ પૂર્વ રાજય મંત્રી ડો. રણમલ વારોતરીયાને હરાવીને ઇતિહાસ રચયો હતો. જે પછી તેમણે ભાજપના પ્રમુખ દ્વારકા જિલ્લા થયા હતા તથા ગ્રીમકો સંસ્થાના ચેરમેન તથા ભાજપ વતી પંચના હોદેદારો રહી ચૂકયા હતાં. ર૦ર૧ માં તેમનું કોરોનાની સારવારમાં જામનગર ખાતે અવસાન થયું હતું.
ર૦ર૧ માં જ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાતા તેમાં શકિતનગર જિલ્લા પંચાયતની સીટ ઉપરથી સ્વ. મેઘજીભાઇ કણઝારીયાનો રાજકીય વારસો જાળવવા જીતેન્દ્રભાઇ લડયા હતા અને રાજયમાં સૌથી વધુ લીડથી તેઓ જીત્યા હતા તથા તે પછી જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ થયા હતાં.
અત્યંત સરળ સ્વભાવના જીતેન્દ્ર કણઝારીયા ગ્રેજયુએટ છે તથા બે સંતાનોના પિતા તથા હાલ પરિવારમાં ત્રણ બહેનો તથા માતા અને પત્ની સાથે રહે છે તથા એક ખાનગી શાળા સંચાલક તથા ખેડૂત છે.
ખંભાળિયા સીટ પર સ્વ. મેઘજીભાઇ કણઝારીયાને ર૦૦૭માં ટિકિટ ભાજપે આપેલી ત્યારે તેઓ નબળા ઉમેદવાર કોંગ્રેસના પૂર્વ મંત્રી રહી ચૂકેલા ડો.રણમલ વારોતરીયા સામે ગણાતા કે જિલ્લા પંચાયત પણ હારી ગયેલા અને ખંભાળિયા બેઠક આહિર સમાજની ગણાતી ત્યારે સતવારાના મતો તેનાથી ઓછા છે ત્યારે ર૦૦૭માં છેલ્લે મોદીએ ખંભાળિયા સતા કરીને આખું ચિત્ર બદલાવતા પ્રથમ વખત ૭૯૮ મતની લડથી મેઘજીભાઇ આ આહિર વર્ચસ્વની સીટ પર ધારાસભ્ય થવાનો રેકોર્ડ કર્યો હતો અને તેમની રાજકારણમાં પ્રામાણિકતા નિષ્ઠા, નરેન્દ્રભાઇ મોદીને ગમી હોય તેમના પુત્ર જીતેન્દ્રને રાજયસભા સાંસદ તરીકે નામ મુકાયું જયારે જીતેન્દ્ર કણઝારીયા તેમના પરિવાર સંતાનો સાથે મુંબઇ વેકેશનમાં ફરવા ગયેલા ત્યાં આ સમાચાર ગઇકાલે મળ્યા!! દ્વારકા ભાજપ નેતાઓને પણ આ જાણ પછી થઇ!!
સતવારા જ્ઞાતિને મોટું મહત્વ
ખંભાળિયામાં રાજયસભા સાંસદના ઉમેદવારની ભાજપ દ્વારા પસંદગી રેકોર્ડ છે!! સતવારા જ્ઞાતિના ઉમેદવારની પસંદગી થતાં સતવારાં સમાજને મોટું મહત્વ ભાજપે આપ્યું છે કેમકે દ્વારકા જિલ્લામાં સતવારાના મતો ભાજપની વોટબેંક ગણાય છે.
સ્વ. ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારીયાના ફોટાને સાથે રાખી ઉજવણી કરાઇ હતી. તો વિજય સિનેમા ચોકમાં પૂર્વ જિ. પં. શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઇ નકુમ, પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઇ કણઝારીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પણ મીઠાઇ વહેંચી ફટાકડા ફોડાયા હતા તથા ભાજપ દ્વારકા જિલ્લા દ્વારા આજે અભિવાદન સમારોહ પણ યોજાયો છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
