News of Monday, 6th July 2026
જામનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઈકાલે ગેરકાયદે ખનન સામે સંયુક્ત કાર્યવાહી
સાપર ગામના તળાવ વિસ્તારમાં દરોડો, વોલ્વો હિટાચી મશીન અને ડમ્પર સહિત અંદાજે રૂ.૬૫ લાખનો મુદ્દામાલ સીઝ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: જામનગરના ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની તપાસ ટીમ તથા સિક્કા પોલીસ સ્ટેશનની ક્ષેત્રીય ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી જામનગર જિલ્લાના સાપર ગામને અડીને આવેલા તળાવ વિસ્તારમાં ગેરકાયદે ખનિજ ખનન સામે દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન એક વોલ્વો હિટાચી મશીન તથા એક ડમ્પરનો ઉપયોગ કરીને બિનઅધિકળત રીતે મોરમ ખનિજનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે બંને વાહનો સહિત અંદાજે રૂ.૬૫ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
સંયુક્ત ટીમ દ્વારા જપ્ત કરાયેલા વોલ્વો હિટાચી મશીન અને ડમ્પરને કાયદેસરની કાર્યવાહી માટે સિક્કા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે ખનિજ નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન અને ખનિજના બિનઅધિકળત વહન સામે આગામી સમયમાં પણ સઘન ચકાસણી અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
