<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

જામનગરના પ્રથમ મહિલા એસ.ઓ.જી.પી.આઈ. ભારતીબેન ચૌધરીની બદલી પાટણ ખાતે બદલી થતાં પોલીસ સ્ટાફે સન્માનભેર વિદાય આપી : જુઓ વિડીયો

જામનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ મહિલા પી.આઈ. તરીકે નિમણૂક પામ્યા: તેમણે આ જવાબદારી અત્યંત કુશળતાપૂર્વક નિભાવીને પોતાની આગવી કાર્યશૈલી અને નિષ્ઠા માટે ઓળખ બનાવી

 જામનગરના પ્રથમ મહિલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) પી.આઈ. ભારતીબેન ચૌધરીની પાટણ ખાતે બદલી થઈ છે. તેમની જામનગરથી વિદાય વેળાએ પોલીસ સ્ટાફ દ્વારા તેમને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
ભારતીબેન ચૌધરીએ જામનગરમાં લાંબા સમય સુધી ફરજ બજાવી હતી અને અનેક જટિલ ઓપરેશન્સ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. તેમણે વિધાનસભા, લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેઓ જામનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ મહિલા પી.આઈ. તરીકે નિમણૂક પામ્યા હતા. તેમણે આ જવાબદારી અત્યંત કુશળતાપૂર્વક નિભાવીને પોતાની આગવી કાર્યશૈલી અને નિષ્ઠા માટે ઓળખ બનાવી હતી.
ભારતીબેન ચૌધરી જ્યારે જામનગરથી પાટણ જવા રવાના થયા, ત્યારે પોલીસ મથક ખાતે વિશેષ માહોલ જોવા મળ્યો હતો. સાથી કર્મચારીઓ અને સ્ટાફના સભ્યોએ તેમના માર્ગદર્શન હેઠળ વિતાવેલા સમયને યાદ કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્ટાફના સભ્યોએ હારતોરા કરી અને પુષ્પવર્ષા કરીને તેમને વિદાય આપી. જામનગર પોલીસ વિભાગમાંથી ભારતીબેન ચૌધરીની વિદાય બાદ હવે તેઓ પાટણ ખાતે પોતાની નવી જવાબદારી સંભાળશે.

(9:53 PM IST)