<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

જામનગર-રાજકોટ બાયપાસ પર બેફામ કારનો કહેર: પલટી ખાઈ બે મોટરસાયકલનો કચ્ચરઘાણ, ચાલક સામે પોલીસ ફરિયાદ

મોરકંડા પાટીયા પાસે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પંચ બી ડિવિઝન પોલીસે નોંધ્યો ગુનો; સદભાગ્યે જાનહાનિ ટળી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૪ : જામનગરના મોરકંડા રોડ પર ગત મંગળવારે બપોરે એક કાર ચાલકે બેફામ ગતિએ કાર હંકારી રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા બે ટુ-વ્હીલરને હડફેટમાં લીધા હતા. અકસ્માતમાં કાર પલટી ખાઈ જતા બંને બાઈકને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

તા. 22 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યે જામનગર-રાજકોટ બાયપાસ રોડ પર મોરકંડા પાટીયા પાસે કાર નં. જી.જે. 01 ડબ્લ્યુ.એચ. 6630ના ચાલકે બેફામ ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર પલટી ખાઈ જતા નજીકમાં પાર્ક કરેલી બે મોટરસાયકલોને અડફેટે લેતા વાહનોને નુકસાન થયું હતું.

 

એક બાઈક સવાર નિતિનભાઈ દેવજીભાઈ જેપાર ઉ.વ. 33 પોતાનું બાઈક સાઈડમાં રાખી પાનની દુકાને ઉભા હતા ત્યારે કાર ધસી આવી હતી. આ બનાવ અંગે નિતિનભાઈએ આપેલી ફરિયાદના આધારે પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 281 તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 હેઠળ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વાયરલ થયેલા વિડિયોમાં કારનો ચાલક પણ અકસ્માત બાદ સહી સલામત રીતે બહાર નીકળતો નજરે પડ્યો હતો. પંચ બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:13 PM IST)