<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

સાઈચા ગેંગ સામે જામનગર પોલીસનો ગુજસીટોક હેઠળ સૌથી મોટો સપાટો

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ પોલીસ એક્‍શનમાં, ૧૧ હિસ્‍ટ્રીસીટરો ધરાવતી ગેંગના ૭ સાગરીતો ઝડપાયા, હત્‍યા-ધાકધમકી સહિતના અનેક ગુનાઓનો પર્દાફાશ, બાકીના આરોપીઓને ઝડપવા અલગ-અલગ ટીમો બનાવી દરોડા, મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ થશે

જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી બાદ ફરી એક વાર ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે. આ ગુન્‍હા હેઠળ સાઇચા ગેંગના ૧૧ શખ્‍સો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા છે જ્‍યારે ચાર આરોપીઓ જેલમાં છે અને એક આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ કવાયત કરી રહી છે. આ અંગે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ પત્રકારોને માહિતી આપી હતી ત્‍યારની તસ્‍વીર.(તસવીર- કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૨: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી બાદ જામનગર પોલીસે અસામાજિક તત્‍વો સામે લાલ આંખ કરી વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર કુખ્‍યાત સાઈચા ગેંગ સામે પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્‍ડ ઓર્ગેનાઈઝ્‍ડ ક્રાઈમ એક્‍ટ (ગુજસીટોક) હેઠળ સપાટો બોલાવ્‍યો છે.

જામનગર જિલ્લા પોલીસ વડાની સીધી સૂચનાથી ૧૧ જેટલા હિસ્‍ટ્રીસીટરોની બનેલી આ ગેંગ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગુજસીટોક હેઠળ સાઇચા ગેંગના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ૭ જેટલા સાઈચા ગેંગના શખ્‍સોને પોલીસે સફળતાપૂર્વક દબોચી લીધા છે.

આ ગેંગ સામે જામનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશનમાં હત્‍યા, હત્‍યાનો પ્રયાસ, ગંભીર મારામારી, ધાકધમકી આપી ખંડણી વસૂલવી, ગેરકાયદેસર હથિયાર રાખવા અને જાહેરમાં આતંક ફેલાવવા સહિતના એક ડઝનથી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજસીટોક હેઠળ કાર્યવાહી થતાં હવે ગેંગના સાગરીતોની ગેરકાયદેસર મિલકત જપ્ત કરવા સહિતના કડક પગલાં લેવાનો માર્ગ મોકળો બન્‍યો છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસે ખાસ ઝુંબેશ ચલાવી છે. સાઈચા ગેંગના બાકીના ફરાર ૪ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી અને સ્‍થાનિક પોલીસની અલગપ્રઅલગ ટીમો બનાવી રાજ્‍યભરમાં દરોડા પાડવાનું શરૂ કરવામાં આવ્‍યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ, આ કાર્યવાહીથી શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતા તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે અને નાગરિકોમાં કાયદા પ્રત્‍યે વિશ્વાસ વધુ દ્રઢ બનશે. આગામી દિવસોમાં ગેંગના આર્થિકસ્ત્રોતો અને મદદગારો સામે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે.

 

(10:50 AM IST)