<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

જામનગર મનપા ચૂંટણી: વોર્ડ નં. ૧૦માં કોંગ્રેસ ઉમેદવારો અને ભાજપ મહિલા ઉમેદવાર વચ્ચે ચકમક : જુઓ વિડીયો

પ્રચાર દરમિયાન મત માંગવા જતાં તણાવ સર્જાયો: પોલીસ ફરિયાદ નથી, શાંતિ જાળવવા માંગ : વીડિયો વાયરલ

(જામનગર, તા.૨૧) : જામનગર શહેરમાં ચાલી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર ૧૦માં પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતી જોવા મળી છે. પ્રાથમિક માહિતી મુજબ કોંગ્રેસના વોર્ડ નંબર ૧૦ના ચારેય ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચાર અને મત માંગણી માટે નીકળ્યા હતા.

 

આ દરમિયાન તેઓ ભાજપની એક મહિલા ઉમેદવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં મત માંગણી દરમિયાન તણાવ ઉભો થયો હતો. માહિતી મુજબ મહિલા ઉમેદવાર દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું, જેના પગલે બંને પક્ષ વચ્ચે શાબ્દિક ચર્ચા થઈ હતી.

 

થોડી ક્ષણો માટે મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બન્યું હતું. જોકે ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર તથા કાર્યકરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

 

હાલ ઘટનાને લઈને કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કે અન્ય કાર્યવાહી થઈ હોવાની માહિતી પ્રાપ્ત નથી, પરંતુ ચૂંટણીના માહોલમાં આવી ઘટનાઓને કારણે તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

(11:36 AM IST)