<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જામનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ચૌધરી અને પીએસઆઈ એમવી ભાટીયાની ટીમનો સપાટો : દ્વારકા જતા પદયાત્રી સંન્યાસીના થેલામાંથી ચોરી કરનારા આરોપીઓ ઉદલભાઈ કનૈયાભાઇ પરમાર બાવરી અને ભરતભાઈ માલાભાઇ રાઠોડ સહિત ત્રણેય શખ્સો રોકડ અને મોટરસાયકલ સાથે ઝડપાયા જુઓ વિડિયો

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ભરતભાઈ ડાંગર સહિતના સ્ટાફે સરમત ગામના પાટીયા પાસેથી રૂ.૧,૦૬,૦૫૦ ના મુદ્દામાલ સાથે ત્રિપુટીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ : જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) દ્વારા જીલ્લામાં બનેલા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. દ્વારકા જઈ રહેલા એક પદયાત્રી વૃદ્ધ સંન્યાસીની સાયકલમાંથી રોકડ રૂપિયા ભરેલા થેલાની ચોરી કરનાર આંતરજીલ્લા ગેંગના બે સાગરીતો અને એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત કુલ ત્રણ ઇસમોને જામનગર એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ચોરીની રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સહિત કુલ ૧,૦૬,૦૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમો એક્શનમાં:

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જિલ્લામાં બનેલા અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચના આપી હતી. જેના પગલે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ રવિ મોહન સૈની (IPS) નાઓએ જીલ્લામાં દાખલ થયેલ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ચૌધરીને કડક આદેશ કર્યા હતા. આ માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમવી ભાટીયા તથા સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવીને ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવા તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું.

 

ટોલ નાકા પાસે સંન્યાસીને નિશાન બનાવી કરી હતી ચોરી:

આ ગુનાની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના બાલમોડા જીલ્લાના પાંચભાદરા તાલુકાના અસાડા ગામના વતની અને હાલ નિવૃત તેમજ સંન્યાસી જીવન ગાળતા ૭૬ વર્ષીય ફરિયાદી સકારામજી મંગનાજી ચૌહાણ (જાતે રાજપૂત) પોતાની ત્રણ પૈડાવાળી સાઇકલ લઈને દ્વારકા તરફ પદયાત્રાએ જઈ રહ્યા હતા. ગત ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યાના અરસામાં સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બેડ ગામ પાસે આવેલા ટોલ નાકા નજીક મંદિર સામે રોડ પર તેઓએ પોતાની સાયકલ પાર્ક કરી હતી. આ સમયે અજાણ્યા ત્રણ ઇસમોએ તેમની સાયકલમાં રાખેલો કપડાંનો થેલો તથા પતરાની પેટીમાંથી રાખેલ ભેટ સોગાતના આશરે પચાસ-સાંઠ હજાર રોકડા રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

 

સરમત ગામના પાટીયા પાસેથી મુદ્દામાલ સાથે ધરપકડ:

દરમિયાન એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ડેરવાળીયા, મયુદિનભાઈ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઈ પરમારને આ અંગે એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. જેના આધારે સરમત ગામના પાટીયા પાસે રોડ ઉપરથી એએસઆઈ ભરતભાઈ ડાંગર સહિતની ટીમે વોચ ગોઠવીને આરોપીઓ (૧) ઉદલભાઈ કનૈયાભાઇ પરમાર બાવરી (ઉં.વ. ૧૯, રહે. દિગ્જામ સર્કલ, બાવરીવાસ, જામનગર), (૨) ભરતભાઈ માલાભાઇ ઉર્ફ જગમલભાઇ રાઠોડ (જાતે મારવાડી, ઉં.વ. ૨૫, રહે. સાધના કોલોની પાસે, મારવાડી ઢાળીઓ, જામનગર) અને એક કાયદાથી સંઘર્ષિત કિશોરને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીના ૫૬,૦૫૦ રૂપિયા રોકડા અને ગુનામાં વાપરેલ ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું એક મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે. આ શખ્સો સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

મુખ્ય આરોપી ઉદલભાઈ બાવરીનો ગુનાહિત ઇતિહાસ:

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ મુખ્ય આરોપી ઉદલભાઈ કનૈયાભાઇ પરમાર બાવરી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે અગાઉ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત જામ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે કલમ ૧૦૯, ૧૧૫(૨), ૩૫૨, ૨૨૧, ૧૯૦, ૧૮૯(૧), ૧૯૧(૨) તથા જીપી એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ થયેલો છે, જેમાં તેને અટક કરવાનો બાકી હતો.

આ સફળ કામગીરી કરનાર એલસીબી સ્ટાફમાં હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, અરજણભાઈ કોડીયાતર, ક્રિપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા લેડી પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન ડાંગર વગેરે જોડાયા હતા.

(6:21 PM IST)