તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
જામનગર એલ.સી.બી.એ વાહન ચોરી આચરતી ગેંગનો પર્દાફાશ કરી ૮ મોટરસાઇકલ સાથે ૧ શખ્સ અને ૨ કિશોરોને ઝડપ્યા
પી.આઈ. વી.બી.ચૌધરી અને પી.એસ.આઈ. એમ.વી.ભાટીયાની ટીમે રૂ. ૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૮ ગુના ઉકેલ્યા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:જામનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.) ની ટીમે વાહન ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. એલ.સી.બી. પોલીસે ૮ ચોરાઉ મોટરસાઇકલ કબ્જે કરી ૧ આરોપી અને કાયદાથી સંઘર્ષિત ૨ કિશોરોને પકડી પાડી ૮ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.ભાટીયા અને તેમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુદિન સૈયદ અને ઋષિરાજસિંહ વાળાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરના અલગ-અલગ વિસ્તારોમાંથી મોટરસાઇકલની ચોરી આચરનાર મુખ્ય આરોપી વિમલ વિઠ્ઠલભાઈ કાકરેજા તેના સાગરીતો સાથે ચોરાઉ વાહનો સગેવગે કરવાની પેરવીમાં છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહાપ્રભુજી બેઠક પાસે આવેલી ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક સામે બાવળની ઝાડીમાંથી ૪ મોટરસાઇકલ અને બેડી રોડ પર બેડી બ્રિજ નીચેથી ૪ મોટરસાઇકલ મળી કુલ રૂ. ૨,૦૦,૦૦૦ ની કિંમતના ૮ મોટરસાઇકલ કબ્જે કર્યા હતા. ઇ-ગુજકોપ મારફતે એન્જિન અને ચેસિસ નંબરની ખરાઈ કરતા આ વાહનો જામનગર સીટી એ, સીટી બી, સીટી સી તેમજ મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયા હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી વિમલ વિઠ્ઠલભાઈ કાકરેજા (રહે. મોટા લખીયા, તા. લાલપુર, જી. જામનગર) ની અટકાયત કરી છે, જ્યારે તેની સાથે સંડોવાયેલા કાયદાથી સંઘર્ષિત ૨ કિશોરો વિરૂદ્ધ પી.એસ.આઈ. એમ.વી.ભાટીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી વિમલ કાકરેજા સામે અગાઉ પણ જામ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ૪ ગુના નોંધાયેલા છે.
ચોરીની એમ.ઓ. અને કાર્યક્ષેત્ર
આરોપીઓ જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલા મોટરસાઇકલને વાયર ડાયરેક્ટ કરીને ચોરીને અંજામ આપતા હતા. તેઓ મુખ્યત્વે કાનાલુસ ગેટ, રેલવે ફાટક પાસે, જોગવડ ગામ, નવી ટાઉનશીપ સામે, મોટી ખાવડી પાસે, ઠેબા ચોકડી સિનેમા પાસે, વાલ્કેશ્વરી, સાત રસ્તા સર્કલ, સમર્પણથી ઢીચડા રોડ અને જામનગર રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોને નિશાન બનાવતા હતા.
આ સફળ કામગીરી એલ.સી.બી. પી.આઈ. વી.બી.ચૌધરી, પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, હિરેનભાઈ વરણવા, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, સુમિતભાઈ શીયાર, યુવરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભયપાલસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા, સુરેશભાઈ માલકીયા અને શ્રીમતી ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
