તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 7th September 2026
જામનગર: કિસાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરાની કલેક્ટરને રજૂઆત; દરેક તાલુકા મથકે તાત્કાલિક ઘાસડેપો શરૂ કરવા માંગ
જામનગર જિલ્લામાં નહિવત અને અપૂરતો વરસાદ પડતાં ઘાસચારાની ભારે અછત સર્જાઈ: પશુપાલકો માટે માલઢોરનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન જામનગર જિલ્લામાં નહિવત અને અપૂરતો વરસાદ પડતાં ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે, જેના લીધે પશુપાલકો માટે માલઢોરનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી દરેક તાલુકા મથકે તાત્કાલિક રાહત દરે ઘાસડેપો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
નવલભાઈ મુંગરાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલ તંત્ર દ્વારા માત્ર જિલ્લા કક્ષાએ ઘાસડેપો કાર્યરત કરાયો હોવાથી ગ્રામ્ય વિસ્તારના છેવાડાના પશુપાલકોને ત્યાંથી ઘાસ લાવવામાં ભારે અગવડતા પડી રહી છે. જિલ્લા મથકેથી ઘાસ લાવવા વાહનો ભાડે કરવા પડતા હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ જ મોંઘો પડે છે, જે સામાન્ય માલધારીઓને પોસાય તેમ નથી. જો દરેક તાલુકા મથકે સરકારી ઘાસડેપો શરૂ કરવામાં આવે તો પશુપાલકોને ઘરઆંગણે સરળતાથી અને ઓછા ખર્ચે ઘાસ ઉપલબ્ધ થઈ શકે. અબોલ જીવોને ભૂખમરાથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ તાલુકાવાર ડેપો ચાલુ કરવાનો નિર્ણય લેવાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
