<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

જામનગર જિલ્લા પંચાયતની પીઠડ બેઠક પર ભાજપનો કેસરીયો : મયુરીબેન ગોધાણી બિનહરીફ વિજેતા જાહેર

કોંગ્રેસ અને ‘આપ’ના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપની જીત : પૂર્વ મંત્રી હકુભા જાડેજાની રાજકીય સમજાવટ અને વ્યૂહરચના સફળ રહી

 મુકુંદ બદિયાણી દ્વારા, જામનગર:જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગ પૂર્વે જ રાજકીય હલચલ તેજ બની છે, જેમાં જોડિયા તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી પીઠડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મતદાન પહેલા જ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. જામનગર જિલ્લા પંચાયતની આ બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન મૌલિકભાઈ ગોધાણીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

 

રાજકીય ગઠબંધન અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા:

આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે પીઠડ બેઠક પરના રાજકીય સમીકરણોમાં મોટો પલટો આવ્યો હતો. આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મીનાબા લખધીરસિંહ જાડેજા તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ્લાબેન રમેશભાઈ ચનિયારાએ પોતપોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા મેદાન સાફ થઈ ગયું હતું. હરીફ ઉમેદવારોના મેદાન છોડ્યા બાદ માત્ર ભાજપના ઉમેદવાર બાકી રહેતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

 

હકુભા જાડેજાની નિર્ણાયક ભૂમિકા:

પીઠડ બેઠક પર ભાજપને બિનહરીફ વિજય અપાવવામાં રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) ની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. તેમના સક્રિય પ્રયાસો અને બંને વિરોધ પક્ષોના ઉમેદવારો સાથેની સમજાવટ બાદ કોંગ્રેસ અને 'આપ' ના દાવેદારોએ પીછેહઠ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને હકુભા જાડેજાની રાજકીય કુનેહ અને વ્યૂહરચનાની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, વિજેતા જાહેર થયેલા મયુરીબેન ગોધાણી ભાજપના વરિષ્ઠ અગ્રણી નેતા ભીખુભાઈ દલસાણિયાના ભાણેજ મૌલિકભાઈ ગોધાણીના ધર્મપત્ની છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન હકુભા જાડેજાની સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા તેમજ મોટી સંખ્યામાં ટેકેદારો હાજર રહ્યા હતા. આ બિનહરીફ વિજયથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(10:27 PM IST)