તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો: ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો, વિવિધ સ્તરે કુલ ૧,૦૧૪ ફોર્મ ભરાતા રાજકારણ ગરમાયું
મહાનગરપાલિકામાં ૩૧૭ અને છ તાલુકા પંચાયતોમાં ૪૭૪ ઉમેદવારો મેદાનમાં: ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયા જંગના એંધાણ વચ્ચે સિક્કા નગરપાલિકામાં પણ ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ

જામનગર:જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયતો અને સિક્કા નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોનો અભૂતપૂર્વ રાફડો ફાટ્યો હતો. વહીવટી તંત્ર પાસે અંતિમ દિવસે ફોર્મ જમા કરાવવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકોની લાંબી કતારો જોવા મળી હતી.
મહાનગરપાલિકામાં ૬૪ બેઠકો માટે ૩૧૭ દાવેદારો:
જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. છેલ્લા દિવસના અંતે કુલ ૩૧૭ ઉમેદવારી પત્રો રજૂ થયા છે. જેમાં મુખ્યત્વે ભાજપના ૧૨૩, કોંગ્રેસના ૮૬ અને આમ આદમી પાર્ટીના ૬૪ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત બસપાના ૧૭, સપાના ૫ અને ૧૭ અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભરતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.
જિલ્લા અને તાલુકા પંચાયતનું ચિત્ર:
જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે કુલ ૧૩૨ ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના ૫૩, કોંગ્રેસના ૩૩, આપના ૪૦, બસપાના ૨, સપાના ૩ અને ૧ અપક્ષનો સમાવેશ થાય છે. બીજી તરફ, જિલ્લાની ૬ તાલુકા પંચાયતની કુલ ૧૧૨ બેઠકો માટે સૌથી વધુ ૪૭૪ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે. આ સ્તરે ભાજપના ૧૯૮, આપના ૧૨૭ અને કોંગ્રેસના ૧૨૨ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે.
સિક્કા નગરપાલિકામાં એઆઈએમઆઈએમની એન્ટ્રી:
સિક્કા નગરપાલિકાની ૨૮ બેઠકો માટે કુલ ૯૧ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. અહીં ભાજપના ૩૧ અને કોંગ્રેસના ૩૩ ઉમેદવારો સામે આમ આદમી પાર્ટીના ૧૨ અને એઆઈએમઆઈએમ (AIMIM) ના ૧૪ ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવતા સ્થાનિક સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે.
આમ, જામનગર જિલ્લામાં તમામ સ્તરે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર જાહેર થશે. હાલ તો સમગ્ર જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
