News of Saturday, 24th October 2026
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને પેરોલ ફર્લો સ્કોડની મોટી સફળતા : સાયબર ફ્રોડના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી જશ સમીરભાઇ ભાલોડીયા ઝડપાયો
ઉપલેટાના મોટી પાનેલીથી ઝડપાયેલા આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ અને બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા પેરોલ ફર્લો સ્કોડ અને એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સાયબર ફ્રોડના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા અને ફરારી આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય સાહેબ (આઈપીએસ) તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સાહેબ (આઈપીએસ) નાઓના કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ વિભાગમાં નાસતા ફરતા તથા ફરારી આરોપીઓને શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચના અનુસાર, એલસીબી પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એવ્સ્કોન્ડર તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર સી.એમ.કાંટેલીયા તથા તેમની ટીમ દ્વારા ફરારી ગુનેગારોને ઝડપી પાડવા માટે સઘન વર્કઆઉટ અને તપાસ ચલાવવામાં આવી રહી હતી.
દરમિયાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, સુરેશભાઈ ડાંગર અને કરણસિંહ જાડેજા નાઓને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ૧૧૨૦૨૦૫૮૨૬૦૦૦૨/૨૦૨૬ અન્વયે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૧૭(૨), ૬૧(૨) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ-૨૦૦૦ ની કલમ ૬૬(ડી) મુજબના ગુનામાં સંડોવાયેલો અને ફરારી આરોપી જશ સમીરભાઇ ભાલોડીયા (રહે. મોટી પાનેલી, તા. ઉપલેટા, જી. રાજકોટ) હાલમાં મોટી પાનેલી બસ સ્ટેન્ડ પાસે હાજર છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા સદરહુ જગ્યાએ દરોડો પાડીને તપાસ કરવામાં આવતા ઉપરોક્ત આરોપી ત્યાં જ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક ઝડપી પાડીને આગળની ઘટતી અને કાયદેસરની કાર્યવાહી માટે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સુપરત કરી દીધો છે.
આ સમગ્ર સફળ ઓપરેશન અને કામગીરી એવ્સ્કોન્ડર તથા પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર સી.એમ.કાંટેલીયા તેમજ એએસઆઈ ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા, એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમાર નાઓ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
