<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણ અને ભારે ડિસ્‍કાઉન્‍ટની નીતિ સામે જામનગર કેમિસ્‍ટ એસોસિએશનનો વિરોધ, એક દિવસીય પ્રતિક હડતાળ

તમામ મેડિકલ સ્‍ટોર્સ બંધ રાખી કલેક્‍ટરને વડાપ્રધાન સંબોધિત આવેદનપત્ર પાઠવ્‍યું, પ્રિસ્‍ક્રિપ્‍શન વગર હોમ ડિલિવરી પર તાત્‍કાલિક પ્રતિબંધની માંગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧: જામનગર કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગિસ્‍ટ એસોસિએશન દ્વારા ગેરકાયદેસર ઓનલાઈન દવાઓના વેચાણ, માન્‍ય પ્રિસ્‍ક્રિપ્‍શન વગર થતી હોમ ડિલિવરી અને ભારે ડિસ્‍કાઉન્‍ટની નીતિઓના વિરોધમાં આજે ૨૦ મેના રોજ એક દિવસીય પ્રતિક હડતાળ પાડીને શહેરના તમામ મેડિકલ સ્‍ટોર્સ બંધ રાખવામાં આવ્‍યા હતા.

લાંબા સમયથી ચાલતા આ પ્રશ્ન અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, એસોસિએશનના હોદ્દેદારો અને સભ્‍યોએ આજે જામનગર જિલ્‍લા કલેક્‍ટર કચેરી ખાતે રૂબરૂ જઈને માનનીય પ્રધાનમંત્રીશ્રીને સંબોધતું એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આવેદનપત્રમાં જાહેર સ્‍વાસ્‍થ્‍યની સુરક્ષા અને દેશભરના લાખો નાના કેમિસ્‍ટ વેપારીઓના અસ્‍તિત્‍વને બચાવવા માટે ઓનલાઈન પ્‍લેટફોર્મ્‍સ દ્વારા થતા દવાઓના ગેરકાયદે વેચાણ પર તાત્‍કાલિક પ્રતિબંધ મૂકવા અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. એસોસિએશને આક્ષેપ કર્યો હતો કે ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવાઓની હોમ ડિલિવરી થતી હોવાથી દર્દીઓના આરોગ્‍ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને નાના વેપારીઓની રોજગારી જોખમમાં મુકાઈ છે.

(9:56 AM IST)