<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામજોધપુર તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ

જનપ્રતિનિધિઓની રજૂઆતોને પ્રાથમિકતા આપી ત્વરિત અને હકારાત્મક ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને મંત્રીનું માર્ગદર્શન

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જામજોધપુર તાલુકા સેવા સદન ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન તાલુકાના વિવિધ વિકાસલક્ષી અને જનહિતલક્ષી પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

બેઠકમાં ખાસ કરીને વરસાદની સ્થિતિ, આધારકાર્ડ કીટ, પશુઓ માટે ઘાસના વિતરણની કામગીરી તેમજ વન વિભાગને લગતા વિવિધ પ્રશ્નો અંગે જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ સંબંધિત અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈને હકારાત્મક અને સંકલિત અભિગમ સાથે કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે અને જરૂરી કામગીરી સમયસર પૂર્ણ થાય તે અંગે પણ મંત્રીએ ભાર મૂક્યો હતો.

મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, તંત્રનો મુખ્ય ઉદ્દેશ પ્રજાને સમયસર અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો પ્રજાની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડાયેલા હોય છે, ત્યારે આવા પ્રશ્નોના ઉકેલ માટે વિભાગીય સંકલન અને સંવેદનશીલ અભિગમ અત્યંત જરૂરી છે. મંત્રીએ સંબંધિત અધિકારીઓને તાલુકાના વિકાસ અને પ્રજાકલ્યાણ સાથે સંકળાયેલા પ્રશ્નોનું નિયમિત અનુસરણ (ફોલો-અપ) કરી જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જામજોધપુર પ્રાંત અધિકારી વાય.એન.બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશભાઈ હીરપરા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક આગેવાનો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:38 PM IST)