<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ટંકારાના હરબટીયાળીમાં ૭૫ વર્ષના બેચરભાઇને જગદીશે પાઇપના ઘા માર્યાઃ હત્‍યાનો પ્રયાસ

ગામમાં નુકસાન કરવાની ગામલોકોએ ના પાડી હોઇ ખાર રાખી હુમલો : પટેલ વૃધ્‍ધ ગંભીર હાલતમાં રાજકોટ સારવાર હેઠળઃ તેમને બચાવવા વચ્‍ચે પડેલા સીદાભાઇ ઝાપડા અને ધનજીભાઇ સંઘાણીને પણ સાયડાના લોખંડના દાબીયાના ઘા ફટકાર્યાઃ પોલીસે જગદીશ ઝાપડાને સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૫: ટંકારાના હરબટીયાળી ગામે રહેતો જગદીશ ઝાપડા નામનો શખ્‍સ ગામમાં ગમે ત્‍યાં આડેધડ નુકસાન કરતો હોઇ બધા ગામલોકોએ તેને આ બાબતે ઠપકો આપી નુકશાન નહિ કરવા સમજાવ્‍યો હોઇ આ વાતનો ખાર રાખી તે ગામલોકો સાથે માથાકુટ કરતો હોઇ દરમિયાન તેની શેરીમાંથી નીકળેલા ૭૫ વર્ષના બેચરભાઇ પટેલ નામના વૃધ્‍ધ પર તે અચાનક આડા સાયડાના લોખંડના દાબીયા પાઇપથી તૂટી પડતાં અને માથામાં ત્રણેક ઘા ફટકારી દેતાં બેચરભાઇ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તેમને બચાવવા વચ્‍ચે પડેલા બે લોકોને પણ જગદીશે ઘા ફટકારી દીધા હતાં. પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

હરબટીયાળી ગામે રહેતાં બેચરભાઇ જીવણભાઇ નમેરા-પટેલ (ઉ.વ.૭૫) પરમદિવસે સવારે સવા અગીયારેક વાગ્‍યે ગામના જગદીશના ઘર પાસેથી નીકળતાં જગદીશે લોખંડના પાઇપના આડેધડ ઘા મારી દેતાં બેચરભાઇ ગંભીર હાલતમાં રાજકોટ સારવાર હેઠળ છે. આ બનાવમાં ટંકારા પોલીસે બેચરભાઇના પુત્ર હરબટીયાળીમાં રહેતાં હસમુખભાઇ બેચરભાઇ નમેરા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી પોલીસે હરબટીયાળી ગામના જ જગદીશ છગનભાઇ ઝાપડા વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી સકંજામાં લીધો છે.

હસમુખભાઇ નમેરા-પટેલ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાંચાર દિકરી છે. પોતે માતા કાશીબેન અને પિતા બેચરભાઇ  જીવણભાઇ નમેરા (ઉ.વ.૭૫) સાથે રહે છે. પિતા હાલ નિવૃત જીવન ગાળે છે. હસમુખભાઇએ જણાવ્‍યું હતું કે ૧૩મીએ હું સવારે સાડા અગ્‍યારેક વાગ્‍યે અમારા ગામમા હતો ત્‍યારે મને મારા મિત્ર હસમુખભાઈ પટણીનો ફોન આવેલ અને વાત કરેલ કે તમારા પિતાજી બેચરભાઇ પર જગદીશે હુમલો કર્યો છે. તેઓ જગદીશના  ઘર પાસેથી નિકળતા અચાનક જગદિશે તેના ઘરની બહાર નિકળી તમારા પિતાજી બેચરભાઇ ને આડા સાયડાનો લોખંડનો દાબીયા પાઈપ વડે માથાના ભાગે આડેધડ ઘા મારી દિધેલ છે અને તેઓ નીચે પડી ગયા છે તેમજ માથામાં ગંભીર ઇજા થઇ છે.

આવો ફોન આવતા હું તુરંત ત્‍યાં પહોંચ્‍યો ત્‍યારે મારા પિતાજી લોહીલુહાણ હાલતમાં પડેલ હતા અને કોઈએ ૧૦૮માં ફોન કરેલ હોવાથી થોડી વારમાં ૧૦૮ આવી ગયેલ જેથી તેમાં મારા પિતાજીને સુવડાવીને હુ અને હસમુખભાઇ પટણી તથા ગીરીશભાઈ સંઘાણી નાઓ ટંકારા ખાતે ડો. ચિખલીયાની હોસ્‍પિટલમા લઈ ગયેલ. રસ્‍તામાં  મારા પિતાજીને પુછતા તેઓને કોઈ કારણ વગર આ જગદીશભાઈએ માર માર્યાનું જણાવેલ હતુ. ડો. ચિખલીયાએ મારા પિતાજીને તપાસી વધુ સારવાર માટે મોરબી રિફર કરતા અમો મારા પિતાજીને વધુ સારવાર માટે મોરબી ક્રિષ્‍ના હોસ્‍પિટલ ખાતે લઈ ગયા હતાં.

 પણ ડોક્‍ટરે સારવાર કરી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું કહેતા અમો મારા પિતાજી ને અહી રાજકોટ સિનર્જી હોસ્‍પિટલ ખાતે સારવારમા લઈ આવ્‍યા હતાં. ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે. મારા પિતાજીને માથાના ભાગે ફ્રેક્‍ચર તથા હેમરેજ જેવી ગંભીર પ્રકારની ઇજા છે અને તેઓ બેભાન હાલતમાં સારવારમાં છે.

હસમુખભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે આ બનાવ બનાવનું કારણએ છે કે આ જગદીશ  છગનભાઇ ઝાપડા અમારા ગામમા અવાર નવાર જાહેર જગ્‍યાએ નુકશાન કરતા હોઇ જેથી ગામ લોકોએ તેને ગામમાં નુકશાન નહી કરવાનું કહેતા તે વાત જગદીશ ઝાપડાને સારી લાગી નહોતી. આ વાતનો ખાર રાખી મારા પિતાજી જગદીશની શેરીમાંથી નીકળતાં તેણે મારા પિતા ઉપર આડા સાયડાના લોખંડના દાબીયા પાઇપથી હુમલો કરી તેમને મારી નાંખવાના ઇરાદે આડેધડ ઘા મારી દેતાં મારા પિતાજી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

તેમજ મારા પિતાજીને માર-મારતા બચાવવા વચ્‍ચે પડેલ સીદાભાઈ પાંચાભાઈ ઝાપડા તથા ધનજીભાઈ ભગવાનજીભાઈ સંઘાણીને પણ આડેધડ માર મારી શરીરે ઇજાઓ કરેલ છે. તેમ વધુમાં હસમુખભાઇએ કહેતાં ટંકારા પીએસઆઇ એસ. એન. સગારકાએ ગુનો નોંધી જગદીશને સકંજામાં લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે

(11:42 AM IST)