News of Wednesday, 15th July 2026
ભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા : ૧૮૦૦ પોલીસ બંદોબસ્તમાં
અષાઢી બીજના પાવન પર્વની ભવ્યતાથી ઉજવણી કરાશે : માનવ શકિત અને આધુનિક સંસાધનોનો ઉપયોગ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧પ : ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ તા. ૧૬/૭/૨૦૨૬ ને ગુરુવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ૪૧મી રથયાત્રા ધામધૂમથી નીકળશે. હાલ આ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા ભગવાન શ્રી જગન્નાથજી મંદિરે આજરોજ સાંજે ૪ કલાકે શાષાોક્ત વિધિ સાથે આ નેત્રોત્સવ વિધિ સંપૂર્ણ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે રથયાત્રા સમિતિના આગેવાનો, શિવવિહાર ટ્રસ્ટના હરપાલસિંહ રાણા, શુભેચ્છકો તેમજ નેત્રોત્સવ વિધિના યજમાન શ્રી વિદ્યાત્રીબેન કાર્તિકભાઈ સોમાણી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનના દર્શન કરવા માટે વિશાળ સંખ્યામાં ભાવિક ભાઈ-બહેનો ભાવવિભોર થઈને મંદિરે ઉમટી પડ્યા હતા.
આ મહામહોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનું લોખંડી અને અભેદ કિલ્લા જેવું આયોજન કરી દેવામાં આવ્યું છે. સમગ્ર રથયાત્રાના રુટને સુરક્ષા કવચથી સજ્જ કરવા માટેનો એક્શન પ્લાન આખરી ઓપ આપી દેવાયો છે.
રથયાત્રા દરમિયાન ૧૫ એએસપી, ડીવાયએસપી, ૪૮ પોલીસ ઈન્સપેક્ટર, ૧૦૬ સબ ઈન્સપેક્ટર સહિત ૧,૮૩૬ પોલીસ જવાનો ખડેપગે રહેશે. હોમગાર્ડના ૧,૫૦૦ જવાનો અને એસઆરપીની ૪ સ્પેશિયલ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તેમજ ૩૨ ઘોડેસ્વાર પોલીસ અને ૨૧ ગેસમેન બંદોબસ્તનો હિસ્સો બનશે. આખીયે રથયાત્રા પર દેખરેખ અને નજર બનાવી રાખવા ૧૨ વોચ ટાવર, ૨૪ વિડિયોગ્રાફર અને ૮૦ હાઈ-ટેક દુરબીનથી દરેક ગતિવિધિ પર વોચ રખાશે. સંચાર અને વહીવટ, કમ્યુનિકેશન માટે ૧૪૦ વોકીટોકી અને વ્યવસ્થા જાળવવા ૩૧ એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ હાજર રહેશે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા ૪ એમ્બ્યુલન્સ અને ૪ ફાયર ફાઈટરની ટીમો તૈનાત રહેશે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
