<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭ યોજાઈ : સરદાર પટેલ હાઉસ બન્યું વિજેતા

૩ થી ૧૦ કિમીની ત્રણ વયજૂથની દોડમાં કેડેટ્સે બતાવ્યો જુસ્સો, પ્રિન્સ રાજપૂત, પરીક્ષિત રાજપૂત અને જ્ઞાન મૈતેઈ વ્યક્તિગત વિજેતા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ :  સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે કેડેટ્સમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને ટીમવર્કની ભાવના વિકસાવવાના હેતુથી ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ સ્પર્ધાનું આયોજન ત્રણ વયજૂથમાં કરવામાં આવ્યું હતું. ધોરણ ૯ થી ૧૧ માટે ગ્રુપ A માં ૧૦ કિમી, ધોરણ ૭ અને ૮ માટે ગ્રુપ B માં ૫ કિમી અને ધોરણ ૬ માટે ગ્રુપ C માં ૩ કિમીની દોડ યોજાઈ હતી.

 

વ્યક્તિગત સ્પર્ધામાં ગરૂડ હાઉસના ધોરણ ૧૦ના કેડેટ પ્રિન્સ રાજપૂતે ગ્રુપ A માં, ટાગોર હાઉસના ધોરણ ૮ના કેડેટ પરીક્ષિત રાજપૂતે ગ્રુપ B માં અને નેહરુ હાઉસના ધોરણ ૬ના કેડેટ જ્ઞાન મૈતેઈએ ગ્રુપ C માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

 

હાઉસ ચેમ્પિયનશિપમાં સિનિયર ગ્રુપમાં સરદાર પટેલ હાઉસે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો, જ્યારે જુનિયર ગ્રુપમાં નેહરુ હાઉસ ચેમ્પિયન બન્યું હતું.

 

પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે અને વિંગ કમાન્ડર કે. મારુતિ દેવી (નિવૃત્ત)ના હસ્તે વિજેતા કેડેટ્સને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. પ્રિન્સિપાલે તમામ કેડેટ્સના ઉત્સાહ અને સમર્પણની પ્રશંસા કરી હતી.

 

આ કાર્યક્રમનું સંચાલન ટીજીટી સાયન્સના શિક્ષક પિયુષ વિરમગામાએ કર્યું હતું. આ પ્રસંગે વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી સહિત સ્ટાફ અને કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

(3:15 PM IST)