<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

જામનગર જિલ્લામાં નવરાત્રિના તહેવારો ટાણે પોલીસનું સઘન ચેકિંગ ડ્રાઇવ : એન.ડી.પી.એસ. એક્ટના ૬૬ આરોપીઓ સહિત શંકાસ્પદ સ્થળોની ચકાસણી

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. અને વિવિધ ટીમો દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી : નાર્કોટીક્સ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બી.ડી.ડી.એસ. ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: જામનગર જિલ્લામાં આગામી નવરાત્રિના તહેવારોને અનુલક્ષીને અસામાજિક તત્વો દ્વારા નાર્કોટીક્સ કે નશીલા પદાર્થોને લગતી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા એક સઘન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવા માટે આ વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. આ સંદર્ભે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના મુજબ આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કામગીરી અંતર્ગત એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી. ચૌધરીની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.એમ. ઝેર તથા એ.વી. ખેર તેમજ એસ.ઓ.જી. સ્ટાફના માણસો, જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ, બી.ડી.ડી.એસ. (BDDS) ટીમ તથા નાર્કોટીક્સ ડોગ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તારીખ ૦૮/૧૦/૨૦૨૬ થી તારીખ ૧૦/૧૦/૨૦૨૬ દરમિયાન પોતપોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળના ગુનાઓના આરોપીઓનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ આરોપીઓની હાલની પ્રવૃત્તિ તથા નજીકના ભૂતકાળમાં તેમની મૂવમેન્ટ અંગે પૃચ્છા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવા ગુનાઓ ન કરવા માટે તેઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.

વિવિધ સ્થળો અને શંકાસ્પદ ઈસમોનું વ્યાપક ચેકિંગ:
આ વિશેષ ડ્રાઇવ દરમિયાન જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના કુલ ૬૬ આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૪૫ શંકાસ્પદ ઇસમો, ૧૪ જાહેર પાર્કિંગ, ૭ કુરિયર સર્વિસ, ૨ રેલવે સ્ટેશન, ૯ બસ સ્ટેન્ડ, ૧૨૩ ઓટો રિક્ષા ચાલકો તેમજ નાર્કોટીક્સની પ્રવૃત્તિ થવાની સંભાવના ધરાવતા તમામ સંવેદનશીલ સ્થળોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર અભિયાન લાલપુર વિભાગના મદદનિશ પોલીસ અધિક્ષક તેમજ જામનગર શહેર અને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષકોના સુપરવિઝન હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી., એન્ટી નાર્કોટીક્સ વિંગ અને તમામ થાણા અધિકારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.

(11:28 PM IST)