તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો તાપ : ભાવનગરમાં ૪પ.ર ડીગ્રી ગરમી
સર્વત્ર અંગ દઝાડતી ગરમીથી સૌ કોઇ હેરાન : મહતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડવા લાગ્યો

રાજકોટ, તા., ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધમતા તાપથી સૌ કોઇ હેરાન છે. ભાવનગરમાં મહતમ તાપમાન ૪પ.ર ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.
ભાવનગર
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કરતાં આજે ભાવનગરમાં સિઝનની સૌથી વધુ ૪૫.૨ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આગ ઝરતી ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા જ્યારે સાંજ બાદ આઈસ્ક્રીમ પાર્લર, ઠંડા પીણાની દુકાનો અને બગીચાઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
શહેરનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રીના ઉછાળા સાથે ૪૫.૨ ડિગ્રી સુધી પહોંચ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮.૦ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૧ ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ હતી. દિવસભર લૂ ફૂંકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ભારે ગરમી પડી રહી છે. જિલ્લામાં હીટવેવ યથાવત રહી છે. આરોગ્ય વિભાગના જણાવાયા મુજબ છેલ્લા ૧૫ દિવસમાં જિલ્લામાં હીટસ્ટ્રોકના ૩૭ કેસો નોંધાયા છે. જયારે શહેરની ગાંધી હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ છ બેડની વ્યવસ્થા કરાઈ છે.
જિલ્લામાં ગરમીને લઈને હીટસ્ટ્રોકના બનાવો પર મોનીટરીંગ કરવા જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારી ડો. બી.જી.ગોહીલે આદેશો કર્યા છે. જેમાં મળતી માહીતી મુજબ છેલ્લા ૧૫ દિવસમાં હીટસ્ટ્રોકના ૩૭ કેસો ધ્યાને આવ્યા છે. બીજી તરફ શહેરની મુખ્ય એવી મહાત્મા ગાંધી હોસ્પીટલમાં હીટસ્ટ્રોકના દર્દી માટે અલગથી ૬ બેડની વ્યવસ્થા કરાઈ હોવાનું સીવીલ સર્જન ડો. ચૈતન્ય પરમારે જણાવ્યુ હતુ. હોસ્પીટલના પુરૂષ વોર્ડમાં ૩ અને મહિલા વોર્ડમાં ૩ બેડ રાખવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ દર્દીને હીટ સ્ટ્રોકને લઈને એડમીટ કરવો પડયો હોય તેવુ સામે આવ્યુ નથી. આગામી ૨ દિવસ તા. ૧૪ અને ૧૫ મેના રોજ પણ જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં સમાવેશ કરી ભારે ગરમીની ચેતવણી હવામાન વિભાગે આપી છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : મહતમ તાપમાન ૩પ.પ ડીગ્રી, લઘુતમ ર૭, ભેજ ૬૬ ટકા, પવનની ઝડપ ૧૬.૬ કી.મી. રહી હતી.(૪.૭)
જુનાગઢ સહિત સોરઠના
વાતાવરણમાં પલટો, બફારો
આકાશમાં વાદળો છવાઈ જતા ચિંતા
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૫ : જુનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં આજે સવારે પલટો આવતા અને આકાશમાં વાદળો છવાઈ જતા બફારો વધ્યો હતો. જેના કારણે લોકો પરસેવે રેબજેબ થઈ ગયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢના મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને જેની સાથે પવનનું પણ જોર વધ્યું હતુ. વાતાવરણમાં ફેરફાર થવાથી બફારોએ માઝા મુકી હતી.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
