તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 25th July 2026
મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થતાં વધારાનું પાણી નદીમાં વેડફવાને બદલે અછત ધરાવતા ડેમોમાં ડાયવર્ટ કરાયું
સિંચાઈ વિભાગની સરાહનીય પહેલ : ડેમી, બંગાવડી, ખોડાપીપળ અને આજી-૩ ડેમમાં પૂરના પાણીનો જથ્થો વાળવામાં આવ્યો

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:ચાલુ ચોમાસાની ઋતુમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થઈ ગયો છે. બીજી તરફ, મોરબી અને આસપાસના કેટલાક વિસ્તારોમાં અપેક્ષા મુજબનો વરસાદ ન પડવાના કારણે સ્થાનિક ડેમોમાં હજુ પણ પાણીની અછત વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા જળ સંચય અને યોગ્ય વ્યવસ્થાપન માટે એક ખાસ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.
સિંચાઈ વિભાગે મચ્છુ-૨ ડેમમાંથી નદીમાં છોડાતા પાણીનો જથ્થો ઘટાડીને, તે વધારાનું પાણી ખાલી રહેલા ડેમો તરફ વાળવાની કામગીરી શરૂ કરી છે. હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી મોરબી જિલ્લાના ડેમી, બંગાવડી, ખોડાપીપળ તેમજ રાજકોટ જિલ્લાના આજી-૩ ડેમમાં પાણીનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી પાણીની ઘટ ધરાવતા ડેમો ભરાશે અને સાથે જ નદીમાં પૂરનું જોખમ પણ ઘટી જશે. સાંજે ૭ વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ-૨ ડેમમાં ૧૮૭૫ ક્યુસેક પાણીની આવક સામે નદીમાં ૧ ગેટ ૨ ફૂટ ખોલીને ૧૨૯૫ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે ૫૮૦ ક્યુસેક પાણી અછત ધરાવતા ડેમોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
